મોરબી બાર એસો.ના ચાર હોદા માટે યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર: પ્રમુખ પદે દિલિપભાઇ અગેચાણીયા બિનહરીફ
અમને કે અમારી ઓફિસને દાગ ન લાગે તે માટે તમારુ કોઇપણ કામ લઇને આવો ત્યારે દલાલને સાથે રાખતા નહી: રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા
SHARE
અમને કે અમારી ઓફિસને દાગ ન લાગે તે માટે તમારુ કોઇપણ કામ લઇને આવો ત્યારે દલાલને સાથે રાખતા નહી: રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા
ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે કાર્યકર્તા અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય તેવો કાર્યક્રમ આગામી સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં થવા જઈ રહ્યો છે અને તેમાં લગભગ 800 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત થવા જઈ રહ્યા છે જોકે, તેઓની મુંબઈ ખાતે હાલમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય આગામી બે મહિના સુધી તેઓ કાર્યકર્તાઓને મળી શકશે નહીં પરંતુ એક પણ કાર્યકર્તાનું કામ ન અટકે તે માટે મોરબી અને ગાંધીનગર ખાતે તેઓની ઓફિસે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
તાજેતરમાં મોરબીના આંગણે કમલમનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા અને તેની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મોરબીના આંગણે યોજાયેલ કાર્યક્રમની ન માત્ર ગુજરાત પરંતુ કેન્દ્ર સુધી નોંધ લેવામાં આવી હતી જેથી મોરબીના કાર્યકર્તાઓના અભિવાદન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉમા ટાઉનશિપ ખાતે રાજ્ય મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને કાર્યકર્તા અભિનંદન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
આ તકે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતીયા, જેઠાભાઇ મિયાત્રા તથા નરેન્દ્રસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી પ્રદીપભાઈ વાળા તેમજ જયંતીભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા વર્ષ 1995 થી લઈને અત્યાર સુધી જે રીતે લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે માટે એક પછી એક કામ કરવામાં આવ્યા છે અને આજની તારીખે પણ તેઓ બીમાર હોવા છતાં પણ મારું મોરબી વધુમાં વધુ સારું મોરબી બને તેવી જે તેમની ભાવના છે તેની સૌ કોઈએ સરાહના કરી હતી અને તેમના જોમ, જુસ્સા અને આત્મવિશ્વાસને બિરદાવ્યો હતો.
અંતમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે મોરબી માળિયા વિસ્તારમાં હોનારત, ભૂકંપ કે પછી કોઈપણ આફત જ્યારે પણ આવી પડી છે ત્યારે હું હર હંમેશ લોકોની પડખે ઉભો રહ્યો છું લોકોનો પ્રેમ મને હર હંમેશ મળતો રહ્યો છે. જેથી લોકોની સુખ સુવિધામાં વધારો થાય તેના માટે નર્મદાની કેનાલો ચાલુ રહે, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા, રોડ રસ્તા વિગેરે અનેક કામો છેલ્લા વર્ષોમાં કરવામાં આવ્યા છે અને વર્ષ 2027ની ચૂંટણી આવે ત્યારે પહેલા ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રોડ રસ્તા થઈ જાય અને સીમ વિસ્તારના રોડ રસ્તા પણ કરવામાં આવે તેવા લક્ષ્ય સાથે તે હાલમાં કામ કરી રહ્યા છે જોકે તેમણે જણાવ્યું હતું કે મોરબીમાં કમલમ ભવનનું ઉદઘાટન કરવા માટે અમિત શાહ આવવાના હતા જો કે, કાંતિભાઇ બિમાર હોવાથી તેમને જાણ હતી જેથી નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને કહ્યું હતું કે કાંતિભાઈ સાથે વાત કરી લેજો. ત્યારે કાર્યકર્તાઓ ઉપરના આત્મવિશ્વાસના કારણે કાંતિભાઇએ પ્રદેશના પ્રમુખને કહી દીધું હતું કે "હું બીમાર છું મારો કાર્યકર્તા બીમાર નથી"
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીની હાજરીમાં લોકાર્પણ ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે અને લગભગ 800 કરોડથી વધુના વિકાસકામોના ખાતમહુર્ત અને લોકાર્પણ કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે અને મોરબી જિલ્લામાં જે પણ કામ થાય તે સારામાં સારી ગુણવત્તાવાળા થાય તેના માટે થઈને પૂરેપૂરી તકેદારી રાખવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે તાજેતરમાં હળવદ અને વાંકાનેરમાં ચાર કામ નબળા થતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને તે બાબતે અધિકારીને સૂચના આપીને કામ કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થિત રીતે પૂરા કરાવવા અને ત્યારબાદ તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
આટલું જ નહીં પરંતુ તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે બીમારીના કારણે લગભગ બે મહિના જેટલા સમય સુધી કાર્યકર્તાઓને મળી શકશે નહીં પરંતુ એક પણ કાર્યકર્તાનું કામ ન અટકે તેવી વ્યવસ્થા મારી મોરબી અને ગાંધીનગર ખાતેની ઓફિસેથી કરવામાં આવશે અને ખાસ કાર્યકર્તાઓને કહ્યું હતું કે કોઈ પણ કામ લઈને આવો ત્યારે તમે સીધા આવો વચ્ચે કોઈ દલાલને રાખવા નહીં. અત્રે ઉલ્લેખીએ છે કે કાંતિભાઈ અમૃતિયાને અન્નનળીમાં માઇનોર કેન્સર છે જેની સારવાર હાલમાં ચાલી રહી છે અને બે ડોઝ લેવાઈ ગયા છે અને બે ડોઝ બાદ ઓપરેશન થશે અને મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ખાતે સ્પેશિયલ ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરીને સારવાર કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી શહેર ભાજપના પ્રમુખ રિષિપભાઇ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા તેમજ ભુપતભાઈ જારીયા, હસુભાઈ પંડ્યા, જે.પી.જેસ્વાણી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી