મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને તેમના ધર્મપત્નીએ મંચ ઉપર સાધુને પગરખા પહેરાવીને 27 વર્ષ જૂની માનતા પૂરી કરાવી
SHARE
મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને તેમના ધર્મપત્નીએ મંચ ઉપર સાધુને પગરખા પહેરાવીને 27 વર્ષ જૂની માનતા પૂરી કરાવી
મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકપ્રિય અને લડાયક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પત્ની જ્યોત્સ્નાબેન અમૃતિયા દ્વારા ગઈકાલે ઉમટાઉનશીપ ખાતે યોજાયેલ કાર્યકર્તા અભિવાદન સમારોહમાં સાધુને પગરખા પહેરાવતા હતા જેથી કરીને સ્વભાવિક છે કે, લોકોના મનમાં પ્રશ્ન ઊભા થાય કે મંત્રી શા માટે સાધુને પગરખા પહેરાવી રહ્યા છે.
તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે, જે સાધુને હાલમાં મંત્રી અને તેમના પત્ની પગરખા પહેરાવી રહ્યા છે તેમનું સાચું નામ જેરામભાઈ જેઠલોજા છે અને તેઓ મોરબી તાલુકાના પીપળી ગામના મૂળ રહેવાથી છે હાલમાં તેઓ બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે માતાજી કનકેશ્વરીના સાનિધ્યમાં રહીને ખોખરા હનુમાનની સેવા પૂજા કરી રહ્યા છે જોકે, વર્ષ 1985-86 માં જ્યારે કાંતિભાઈ અમૃતિયા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય હતા ત્યારે જેરામભાઈ જેઠલોજા કે જેને હાલમાં લોકો જયદેવાનંદજી મહારાજના નામથી જાણે છે તેઓ પણ તાલુકા પંચાયતના સદસ્યા હતા અને ત્યારે કાંતિભાઈની સાથે રહીને લોક સેવાના લોક ઉપયોગી અનેક કામો કર્યા હતા અને ત્યારથી તેઓ કાંતિભાઈના સમર્થક પણ હતા. જોકે, ત્યાર બાદ તેઓએ ભગવો ધારણ કરી લીધો હતો પરંતુ વર્ષ 1998 માં કાંતિભાઈ અમૃતિયા જ્યારે બીજી વખત ધારાસભ્ય બન્યા ત્યારે કાંતિભાઈ અમૃતિયા લાલ લાઈટ વાળી ગાડી લઈને મોરબી આવે એટલે કે મંત્રી બનીને મોરબી આવે ત્યાં સુધી તેઓ પગરખા નહીં પહેરે તેવી માનતા રાખી હતી અને હવે જ્યારે કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ થઈ ગયો છે ત્યારે ખુદ કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પત્નીએ જયદેવાનંદજી મહારાજને સ્ટેજ ઉપર બોલાવીને પોતાના હાથે પગરખા પહેરાવીને તેઓની માનતા પૂરી કરાવી હતી. આમ 27 વર્ષે જયદેવાનંદજી મહારાજે પોતાની માનતા પૂરી કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, હાલમાં કાંતિભાઈ અમૃતિયા જે કેન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા છે તેમાંથી પણ વહેલી તકે તેઓ સારવાર લઈને તંદુરસ્ત થઈ જાય અને ફરી પાછા લોક સેવાના કાર્યમાં જોડાઈ તેના માટે તેમના અનેક સમર્થકો દ્વારા જુદા જુદા પ્રકારની માનતાઓ રાખવામાં આવી છે.









