મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત
SHARE
મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરતાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતા તાબડતોબ રાતે પારણા કરાવ્યા, આજે આંદોલન પાર્ટ 3 ની કરાશે જાહેરત
મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન ગઇકાલે મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેની કિડની તેમજ લીવર ઉપર સોજો આવી ગયેલ હોવાથી ડોક્ટરની સલાહ મુજબ તેના તાબડતોબ પારણા કરાવવામાં આવ્યા હતા અને આંદોલન સમિતિ દ્વારા આજે સોમવારે રાત્રે 9:30 કલાકે બાકીના તમામ ઉપવાસીઓના છાવણી ખાતે પારણા કરાવી દેવામાં આવશે અને ત્યાર બાદ સરકાર અને ખાનગી વીજકંપની સામે વીજ પોલના વળતર માટે ગુજરાતના ખેડૂતોને સમિતિમાં જોડીને આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવશે.
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના પોલની સામે પૂરતું વળતર મેળવવા માટે થઈને છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે 18 મા દિવસે મોડી રાત્રે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી તેમને સારવાર માટે પ્રથમ જેતપરમાં આવેલ સીએચસી ખાતે અને ત્યારબાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેના રિપોર્ટ કરાવવામાં આવતા તેઓને કિડની અને લીવર ઉપર સોજો આવી ગયેલ હોવાથી ડોકટરે તેઓના પારણા કરાવવા માટે કહ્યું હતુ જેથી હોસ્પિટલે હાજર રહેલા 25 જેટલા ખેડૂતોની સાથે ચર્ચા કરીને નેહુલભાઈને સમજાવીને તેઓના રાતે પારણા કરાવવામાં આવ્યા હતા. અને હાલમાં તેઓ સારવાર હેઠળ છે
દરમિયાન આંદોલન સમિતિના સભ્યોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 18 દિવસથી ઉપવાસ કરી રહેલા નેહુલભાઈને જો કંઈ પણ થશે તો સમગ્ર ગુજરાતની અંદર તેના પડઘા પડશે અને હાલમાં ઉપવાસીઓની તબિયત લથડી રહી છે જેથી કરીને ઉપવાસીના હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાત્રે 9:30 કલાકે જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી ખાતે ઉપવાસીઓના પારણા કરાવવા માટેનો નિર્ણય આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે અને તેની સાથોસાથ સમગ્ર ગુજરાતમાંથી આ ખેડૂત આંદોલનને જે રીતે સમર્થન આપવામાં આવ્યું હતું તે જોતા સોમવારે યોજનાર પારણાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદરથી ખેડૂતો આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા હાલમાં વીજપોલના વળતર માટે જે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેને ધ્યાને લઈને પારણા કરવામાં આવી રહ્યા નથી તેવી પણ સ્પષ્ટતા આંદોલન સમિતિએ કરી હતી અને આજે ઉપવાસીઓના પારણા કરાવ્યા બાદ આંદોલન પાર્ટ-3 માટેની ખેડૂતો સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને તેના માટે માત્ર જેતપરના ખેડૂતોની સમિતિ નહીં પરંતુ ગુજરાતભરના ખેડૂતોની સમિતિ બનાવવામાં આવશે અને વ્યૂહ રચના સાથે આંદોલન શરૂ કરાશે.