મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ
SHARE
મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ
મોરબી મહાનગરપાલિકામાં દર મહિને સામાન્ય સભાની બેઠક નિયમા મુજબ બોલાવવાની હોય છે પરંતુ ઓગસ્ટ મહિના દરમિયાન મહાપાલિકાના મેયર દ્વારા સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી નથી જેથી મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે ? કે પછી મોરબીના કોર્પોરેટરને તેઓના મતવિસ્તારની અંદર લોકોની કોઈપણ પ્રકારની સમસ્યાઓ દેખાતી નથી ? આવા અનેક પ્રકારના સવાલો મહાપાલિકાના કોર્પોરેટરોમાં ચર્ચાઇ રહ્યા છે અને શા માટે મહાપાલિકામાં સામાન્ય સભાની બેઠક બોલાવવામાં નથી તે પણ તપાસનો વિષય છે
મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો આપવામાં આવ્યો ત્યારબાદ પ્રથમ વખત જે ચૂંટણી યોજાઈ હતી તેમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા અને વિપક્ષને નગરજનોએ મહાપાલિકામાં સ્થાન આપ્યું નથી ત્યારે સહુકોઈને એવી અપેક્ષા છે કે મોરબીની કાયાપલટ મહાપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવશે પરંતુ અફસોસની વાત એ છે કે મહાપાલિકાના સતાધીશો મહાપાલિકાના નિયમોને પણ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સામાન્ય સભાની બેઠક મેયરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ત્યારે મોરબી મહાપાલિકાના મોટાભાગના કોર્પોરેટરોએ કહ્યું હતું કે મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેઓના મોબાઇલ ફોન ઉપાડતા નથી. હવે જો આવા પણ સામાન્ય સભાની બેઠકમાં આવતા હોય તો મોરબીમાં કેટલા પ્રશ્નોનો ઢગલો હશે તેની કલ્પના કરવી પણ અશક્ય છે.
ઓગસ્ટ મહિના સામાન્ય સભાની બેઠક ન બોલાવી ?
સામાન્ય રીતે મહાપાલિકાના નિયમો મુજબ દર મહિને મહાપાલિકા વિસ્તારની અંદર લોકોના જે કોઈ પ્રશ્ન હોય તે તંત્રની સામે આવે અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા વહેલી તકે તેનો ઉકેલ લાવવામાં આવે તેના માટે થઈને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવતી હોય છે અને તેમાં વિવિધ પ્રકારના એજન્ડાઓ લેવામાં આવતા હોય છે જોકે, ઓગસ્ટ મહિના દરમિયાન મોરબી મહાપાલિકામાં સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી નથી જેથી કોર્પોરેટરોમાં જ ક્યાંકને ક્યાંક ગણગણાટ થવા લાગ્યો છે કે તેઓના વિસ્તારમાં અનેક પ્રકારની સમસ્યાઓ છે પરંતુ સામાન્ય સભાની બેઠક જ ન બોલાવવામાં આવે તો પ્રશ્ન રજૂ કેવી રીતે થયા અને તે પ્રશ્નોનો નિકાલ કેવી રીતે થાય ?
મેયરનો ફોન ઉપર સંપર્ક ન થયો
મોરબી મહાપાલિકામાં ઓગસ્ટ મહિનામાં શા માટે થઈને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી નથી તે બાબતે જાણકારી મેળવવા માટે તેને મોરબી મહાપાલિકાના મેયર ઉતમ સુરાણીનો ફોન ઉપર સંપર્ક કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારબાદ મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા સાથે આ બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મહાપાલિકાના નિયમો મુજબ દર મહિને સામાન્ય સભાની બેઠક મહાપાલિકામાં બોલાવવાની હોય છે અને તેમાં જુદા જુદા એજન્ડા લેવાના હોય છે. તેમજ મહાપાલિકાની જુદી જુદી કમિટીઓની બેઠકમાં કરવામાં આવેલ નિર્ણય અને ઠરાવને પણ સામાન્ય સભાની બેઠકમાં બહાલી આપવાની હોય છે. પરંતુ જો સામાન્ય સભાની બેઠક ન મળે તો અનેક પ્રકારની કામગીરી અટકી પડતી હોય છે.
કઈ રીતે વિકાસની ગાડી પાટા ઉપર ચડશે ?
મોરબીના લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે 1200 કરોડ રૂપિયાનું બજેટ છે તેવી વાતો ચૂંટણી પ્રચારમાં કરવામાં આવી હતી જો કે, આયોજન કરીને સમયસર પ્રોજેક્ટ પૂરા કરવામાં આવે તો ખરેખર લોકોને તેનો લાભ મળી શકે તેમ છે પરંતુ આયોજન જ ન કરવામાં આવે અને સામાન્ય સભાની બેઠક જેવી મહત્વપૂર્ણ બેઠકો ન બોલાવવામાં આવે તો કઈ રીતે વિકાસની ગાડી પાટા ઉપર ચડશે ? તેને લઈને હાલમાં કોર્પોરેટરોમાં ગણગણાટ ચાલી રહ્યો છે. બિન આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે એજન્ડા નથી એટલા માટે સામાન્ય સભાની બેઠક ન બોલાવી તેવું કહીને અધિકારી હાલમાં પદાધિકારીઓને ગુમરાહ કરી રહ્યા છે
દર મહિને સામાન્ય સભાની બેઠક જરૂરી
મોરબી મહાનગરપાલિકા હસ્તક લોકમેળાનું આયોજન, મચ્છુ નદીની સફાઈ, મોરબી શહેરમાં આવેલા તમામ વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાઓની સાફ-સફાઈ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ એજન્ડામાં સમાવેશ કરીને સામાન્ય સભાની બેઠક બોલાવી શકાય તેમ છે પરંતુ આ પ્રકારના એજન્ડાઓનો શા માટે તેને સામાન્ય સભામાં સમાવેશ કરવામાં આવતો નથી ? જો મોરબી મહાપાલિકાના સતાધીશો લોકોનું ખરેખર હિત કરવા માટે ઇચ્છતા હોય તો દર મહિને સામાન્ય સભાની બેઠક મળે તે જરૂરી છે.
અધિકારીઓ-કર્મચારીઓને દોડતા રાખવાનું માધ્યમ સામાન્ય સભાની બેઠક
મોરબીમાં સમસ્યાઓને ઉકેલવા માટે અને અધિકારીઓ તેમજ કર્મચારીઓને દોડતા રાખવા માટેનું એક સૌથી મહત્વનું માધ્યમ સામાન્ય સભાની બેઠક છે આ બેઠકની અંદર રજુ થતાં પ્રશ્નોનું નિરાકરણ જો એક મહિનામાં અધિકારી અને કર્મચારી દ્વારા ન કરવામાં આવે તો બીજા મહિને આવનારી સામાન્ય સભાની બેઠકની સબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓના ખુલાસા માંગી શકાય અને જો તેની બેદરકારી હોય તો તેની સામે એક્શન પણ લઈ શકાય છે પરંતુ આવી કામગીરી મહાપાલિકાના સત્તાધીશો દ્વારા કેમ કરવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે
મોરબીના મેયરને સમસ્યાઓ દેખાતી નથી કે પછી જોવી નથી: પુષ્પરાજસિંહ જાડેજા
મોરબી શહેરના લોકો ચોતરફ સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે પણ મહાપાલિકાના સતાધીશો વિકાસની પીપૂડી વગાડે છે તેવું મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે અને કહ્યું છે કે, મોરબી મહાપાલિકામાં સામાન્ય સભાની બેઠક જે દર મહિને બોલાવવાની હોય છે તે ઓગસ્ટ માહિનામાં બોલાવવામાં આવી નથી અને નારી વાસ્તવિકતાએ છે કે મહાપાલિકામાં વિપક્ષ ન હોવાથી ભાજપના શાસકો નહીં પરંતુ અધિકારીઓ ચલાવે તે રીતે હાલમાં મહાપાલિકા ચાલી રહી છે. અને મહાપાલિકાના મેયરને શહેરીજનોની સમસ્યાઓ દેખાતી નથી કે પછી તેઓને જોવી નથી તે સમજાતું નથી.