મોરબીના ઢુવા પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બે પૈકીના એકને અમદાવાદ ખસેડાયો
મોરબીમાં સંતાન ન હોય સગીરાનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ
SHARE
મોરબીમાં સંતાન ન હોય સગીરાનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ
મુળ મધ્યપ્રદેશના અને બનાવ સમયે મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા મજુર પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ થયું હતું જે અંગે ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે અપહરણ કરનાર પરપ્રાંતિય મહિલાની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પકડાયેલ મહિલાને સંતાન ન હોય અને બાજુમાંથી રમવા આવતી સગીરા સાથે ધરોબો થઈ ગયો હોય તેણીને પોતાની દીકરીની જેમ રાખવા માટે પોતે મોરબી આવીને સગીરાનું અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ ગઈ હોવાનો ખુલાસો થયો હતો.
મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપરથી વર્ષ ૨૦૨૧ માં તેર વર્ષીય સગીરાનું અપહરણનો બનાવ બન્યો હતો.જેમાં હાલમાં મોરબી તાલુકા પોલીસે તપાસ કરીને પીએસઆઇ વી.બી.પીઠીયા અને રાઇટર વિજય સવસેટા દ્વારા આરોપી તરીકે કિરણબેન હરિસિંહ સુરભાણ રાઠોડ જાતે તૈલી નામની ૨૫ વર્ષીય રામગઢ તા.જી.ધાર મધ્યપ્રદેશની અને જે તે સમયે મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં રહેતી મહિલાની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બનાવ સમયે ભોગ બનેલી સગીરા અને આરોપી મહિલા નજીક નજીક રહેતા હોય અને આરોપી મહિલાને સંતાન ન હોય પોતાને ત્યાં રમવા માટે આવતી ૧૩ વર્ષીય સગીરાને પોતાની દીકરીની જેમ પોતાની સાથે રાખવાના હેતુથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પહેલા આરોપી મહિલા પોતાના પતિ સાથે અહીં મોરબી રહેતી હતી અને બાદમાં તેમના વતન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રામગઢ ગામે તેઓ ચાલ્યા ગયા હતા અને બાદમાં કિરણબેન એકલા મોરબી આવ્યા હતા અને મોરબીના લખધીરપુર રોડ ઉપરથી ભોગ બનેલી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેણીને પોતાની સાથે ગિકરીની જેમ રાખવા માટે મધ્યપ્રદેશ લઈ ગયા હતા..! જે અંગે ભોગ બનનાર સગીરાના માતા-પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હોય પીએસઆઇ પિઠીયા સહિતના સ્ટાફે ભોગ બનેલ સગીરાને શોધી કાઢીને તેણીનું અપહરણ કરનાર કિરણબેન સુરભાણ નામની પરપ્રાંતિય મજુર મહીલાની હાલમાં કલમ ૩૬૩ (અપહરણ) ના ગુના હેઠળ ધરપકડ કરેલ છે.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના નાની વાવડી ગામે રહેતા દક્ષાબેન જગદીશભાઈ જાકાસણીયા નામના ૫૦ વર્ષિય આધેડ મહિલા પોતાના પતિની સાથે બાઈકમાં બેસીને વાડીએ જતા હતા તે દરમિયાનમાં નાનીવાવડી ગામ પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બાઇક સ્લીપ થઇ જતાં પડી જવાથી દક્ષાબેનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લાલપર ગામે રહેતા રામબેન લાલજીભાઈ કલોત્રા નામના ૭૧ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્ર સુરેશના બાઈકની પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ગઈકાલે સાંજે છએક વાગ્યાના અરસામાં લાલપર બહુચર માતાના મંદિર પાસે તેઓનું બાઈક ગાય આડી ઉતરતા સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત રામબેનને અહીં આયુષ હોસ્પીટલે સારવારમાં લવાયા હતા.
વાહન અકસ્માતમાં બે યુવાનોને ઇજા
મોરબીના ઉંચી માંડલ ગામ પાસે રહેતા અને મજૂરી કામ કરતા ઓમકારસિંગ પ્યારસિંગ (૨૦) અને બબલુ ભુવનસિંગ (૨૧) નામના બે યુવાનો ઉચીમાંડલથી તળાવીયા શનાળા જતા રોડ ઉપર પગપાળા જતા હતા ત્યારે કોનાર સિરામિક નામના નજીક તેમને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઓમકારસિંગ અને બબલુને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.