મોરબીના કંડલા બાયપાસ ઉપર ચોથા માળેથી પટકાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના કંડલા બાયપાસ ઉપર ચોથા માળેથી પટકાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચોથા માળેથી નીચે પટકાયેલા મૂળ ટંકારાના રહેવાસી યુવાનને મોરબી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના કંડલા બાયપાસ ઉપર દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ચોથા માળેથી નીચે પટકાતાં દિલીપ લક્ષ્મણભાઈ લાખાણી (ઉમર ૩૦) રહે.વીરપર તાલુકો ટંકારાને બંને પગના ભાગે ઇજાઓ થઇ હોય તેને અહિંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.અહીં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી નજીકના લીલાપર ગામે રહેતી ખુશી જગદીશભાઈ રાઠોડ નામની ૯ વર્ષીય બાળકી રિક્ષામાં બેસીને જતી હતી ત્યારે ગામ નજીક તે રિક્ષા અને ટ્રેકટરની અથડામણ થઇ હતી.આ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી ખુશી રાઠોડ નામની ૯ વર્ષીય બાળકીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના રાધાપાર્ક શેરી નંબર-૧ માં રહેતા પ્રકાશભાઈ પ્રભુભાઈ દેથરીયા નામના ૫૧ વર્ષીય આધેડ બાઈક લઈને જેતપર રોડ ઉપરથી જતા હતા ત્યારે જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક તેમના બાઇક આડે કુતરૂ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈ દેથરીયાને સારવાર માટે અહિંના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વૃદ્ધા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર કૌચલની વાડીમાં રહેતા અમૃતબેન વાલજીભાઈ ચાવડા નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને માળીયા હાઈવે ઉપરથી જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા અમૃતબેન ચાવડાને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા જે અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.