મોરબીમાં ચરિત્રની શંકા રાખીને ધોકા ફટકારીને પતિએ કરી પત્નીની હત્યા
SHARE









મોરબીમાં ચરિત્રની શંકા રાખીને ધોકા ફટકારીને પતિએ કરી પત્નીની હત્યા
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખાડા વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિ દ્વારા ધોકા વડે શરીરના ભાગે ઢોર માર મારવામાં આવ્યો હતો જેથી બેભાન હાલતમાં મહિલાને તેનો પતિ હોસ્પિટલે લઈ ગયો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી અને બનાવ સંદર્ભે હાલમાં મૃતકના માતા દ્વારા પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઉપર અવારનવાર ચારિત્ર્યની શંકા કરવામાં આવતી હોય તે વાતને લઈને પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં તેમના જમાઈ દ્વારા તેમની દીકરીને શરીરે ઢોર માર મારવામાં આવતા તેણીનું મોત નીપજ્યું હતું હાલ પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધઈને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના રેલ્વે સ્ટેશન પાસે વીસીપરા નજીક આવેલ ખાડા વિસ્તારમાં કબીર આશ્રમ નજીક રહેતા હલીમાબેન અનવરભાઈ શેખ જાતે ફકીર (૨૪) નામની મહિલાને ગઇકાલ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં અહીની સિવિલ હોસ્પિટલએ તેના પતિ દ્વારા લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબ દ્વારા હલીમાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પીઆઈ પી.કે. દેકાવાડીયા તેમજ રાઇટર મહેન્દ્રસિંહ સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન ખૂલ્યું હતું કે મૃતક હલીમાબેનને તેના પતિ અનવરભાઇએ જ ધોકા વડે માર માર્યો હતો જેથી તેણીનું મોત નીપજયું હતું
બાદમાં મૃતક હલીમાબેનની માતા આઈસાબેન મહમદ હાસમભાઇ શેખ જાતે ફકીર (૫૦) રહે. અંજાર રેલ્વે સ્ટેશન પાસે વાળાએ પોતાના જમાઈ અને મૃતક હલીમાબેનના પતિ અનવરશા ખમીશા શેખ જાતે ફકીર રહે. મોરબી રેલ્વે ટેશન ખાડા વિસ્તાર વીસીપરા પાસે મોરબી વાળા વિરુદ્ધ પોતાની દીકરી હલીમાબેનને શરીરના ભાગે ધોકા ફટકારી નિર્મમ હત્યા નિપજાવી અંગે ફરિયાદ નોંધાવી હતી અને જેમાં તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમનો જમાઈ અને તેમની દીકરી ઉપર અવારનવાર ચરિત્ર બાબતે શંકા કરતો હોય થોડા સમય પહેલા તેઓની દીકરી કોઈ જગ્યાએ ચાલી ગઈ હતી બાદમાં અનવર તેને શોધી લાવ્યો હતો તેમ છતાં તે વાતને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને ગઇકાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેમની દીકરી હલીમાબેનને ધોકા વડે માર માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે આઈસાબેનની ફરિયાદ લઈને કલમ ૩૦૨ અને ૧૩૫ હેઠળ ગુનો નોંધી આરોપી અનવરશાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે અને આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે
