મોરબીમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વિશાલ રેલી
SHARE









મોરબીમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વિશાલ રેલી
હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. આજ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન ૪૦ લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા. તેમની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં ૧૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું.
પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સંસ્થાના ૧૬૦૦૦ બાળકોના ૪૨૦૦ વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસ સ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ ૧૪ લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તા. ૮ મેથી ૨૨મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના ચાર લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત જે વ્યક્તિઓ વ્યસનનું સેવન કરતા નહોતા તેઓએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો.
વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર બી.એ.પી.એસ. સંસ્થાની ૧૪૦૦૦ બાલિકાઓના ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયેલ. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાલિકાઓએ ઘરો ઘર જઈને ૧૨ લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા. પાણી બચાવો, વીજળી બચાવો, વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાંઓ ભરી શકે તે માટે બાલિકાઓએ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત ૧૫ દિવસ ચાલેલા અભિયાનના પરિણામે દસ લાખ લોકો પાણી વીજળીના બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા. સાથો સાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો. સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ અભિયાનમાં મોરબી શહેર જોડાયું હતું અને ૭૫ બાળકોએ અને ૧૫૦ બાલિકાઓએ કુલ ૯૦૦૦ વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો.
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં યોજાયેલ આ અભિયાન બાદ તારીખ ૩૧ મે ૨૦૨૨ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં ૧૦૦ જેટલી વિરાટ વ્યસનમુક્ત રેલીનું આયોજન થયું હતું. મોરબીમાં પણ યોજાયેલ આ રેલીમાં ૩૦૦ થી વધુ બાળકો અને ૨૦૦ થી વધુ બાલિકાઓ જોડાયા હતા અને પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટસ, બાળકો અને બાલિકાઓ દ્વારા થતા સુત્રોચાર મોરબીવાસીઓને અનેરી પ્રેરણા આપી હતી આ રેલીમાં હરિસ્મરણ સ્વામી અને મંગલપ્રકાશ સ્વામી, મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઑ ડો. સરડવા સહિતના જોડાયા હતા
