હળવદના દેવળીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધાનું મોત : ગુનો નોંધાયો
SHARE









હળવદના દેવળીયા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃદ્ધાનું મોત : ગુનો નોંધાયો
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને તેમાં મોટાભાગે નિર્દોષ લોકો જ મોતના ખપ્પરમાં હોમાતા હોય છે.આવો જ વધુ એક બનાવ હળવદનાં માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામના પાટિયા પાસે બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતા વૃદ્ધ દંપતીના બાઇકને કાર ચાલકે હડફેટે લેતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા જે અંગે હાલમાં વૃદ્ધ દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૩૦-૫ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હળવદ-માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક આવેલ દિવ્યરાજ સિમેન્ટ પ્રોડકટ નામના કારખાના પાસે રીનોલ્ટ ક્વીડ કાર નંબર જીજે ૧ આરએસ ૩૪૦૯ ના ચાલકે ડબલ સવારીમાં જઈ રહેલા ડાયાભાઈ મોહનભાઈ રાજપરા જાતે પટેલ (૬૦) રહે.દેવળીયા અને તેમના પત્ની ભગવતીબેનને હડફેટે લીધા હતા.જે અકસ્માત બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ભગવતીબેન ડાયાભાઈ રાજપરા નામના વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને ડાયાભાઈ રાજપરાને મોઢાના ભાગે તેમજ બંને પગના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતા.સારવાર લીધા બાદ ગઈકાલે ડાયાભાઈ રાજપરા દ્વારા ઉપરોક્ત નંબરના રીનોલ્ટ કવીડ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલમાં હળવદ પોલીસ પોલીસ મથકના પીએસઆઈ આર.બી.ટાપરીયા દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ટંકારા તાલુકામાં આવેલ સરૈયા(સાવડી) ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈનોવા કાર નંબર જીજે ૧૦ બીજી ૭૭૯૭ ના ચાલક દ્વારા પુર ઝડપે ગફલતભરી રીતે અને મનુષ્યની જીંદગી જોખમાય તેમ પોતાનું વાહન હંકારવામાં આવતા ટંકારાના વિરવાવ ગામે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઇ હમીરભાઈ સોલંકી નામના ૩૯ વર્ષીય કડિયા કામ કરતા યુવાનને હડફેટે લીધો હતો.જેથી કરીને જીતેન્દ્રભાઈ સોલંકીને હાથે-પગે અને માથાના ભાગે મુઢ ઇજાઓ થતા તથા જમણા પગના પોચાના ભાગે ફેકચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં જીતેન્દ્રભાઈ દ્વારા ઉપરોક્ત નંબરની ઇનોવા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા ટંકારા પોલીસ મથકના વસંતભાઇ વઘેરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
