મોરબીના મહેન્દ્રનગર પાસે બાઈક લઈને જતા આધેડનું ટ્રક હડફેટે મોત
SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે બાઈક લઈને જતા આધેડનું ટ્રક હડફેટે મોત
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામની ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઇને જઇ રહેલા આધેડને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા અહીંની હોસ્પીટલે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય હાલ આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા અને મુળ ગુજર્વદી ગામના વતની ચંદુભાઈ જગજીવનભાઈ સંઘાણી જાતે પટેલ નામના ૫૫ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે તા.૫-૬ ને રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસે તેમના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ચંદુભાઈ સંઘાણીને ગંભીર ઇજાઓ થવાથી ધ્રુવ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન ચંદુભાઈ જગજીવનભાઇ સંઘાણીનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે જાણ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર અને રાઇટર લાલભા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બનાવ સર્જીને ભાગી છુટેલા ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરાઇ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે બેઠા પુલના ખૂણે રવિવારી બજાર નજીક મોડી રાતના બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં ઘવાયેલ ઈરફાન મુસાભાઇ બ્લોચ (૩૦) રહે.મકરાણીવાસ અને જય ગોવિંદભાઈ કોટડીયા (૨૨) રહે.વસંત પ્લોટ મોરબી વાળાઓને ઇજા પહોંચેલા બંનેને ૧૦૮ વડે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના જાંબુડીયા ગામ પાસેના માર્બોમેક્સ સીરામીકમાં રહીને મજૂરીકામ કરતા કનૈયાભાઈ મેઘવાળ નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને બેભાન હાલતમાં સામેકાંઠે આવેલા સમર્પણ હોસ્પિટલ ખસેડાયો હતો બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ચોરીના ગુનામાં ધરપકડ
મોરબી તેમજ વાંકાનેર પંથકમાંથી થોડા દિવસો પહેલા મોબાઇલ ટાવરની બેટરી ચોરીના બનાવો બન્યા હતા.જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.અગાઉ મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્રણ ઇસમોની મોબાઇલ ટાવરની બેટરી ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી અને આ ચોરાઉ બેટરી ખરીદનાર કાદર અસરફ કરગથરા (૩૬) રહે.જેતપુર (કાઠી) ગુજરાતીની વાડી પાસે જી.રાજકોટની તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે
