મોરબીના સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં લાગેલી આગથી કારખાનેદાર સહિત આઠ દાઝ્યા : ત્રણને રાજકોટ ખસેડાયા
SHARE









મોરબીના સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં લાગેલી આગથી કારખાનેદાર સહિત આઠ દાઝ્યા : ત્રણને રાજકોટ ખસેડાયા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ કારખાનામાં પ્રોપેન ગેસ પાઇપ લાઇન વાટે ભઠ્ઠીમાં પહોંચાડવા માટેની કામગીરી ચાલુ હતી તે દરમિયાનમાં કોઈ કારણોસર ગેસ ભઠ્ઠીના બર્નર સુધી પહોંચી જતા આગ લાગી ગઈ હતી જેમાં કારખાનેદાર સહિત કુલ આઠ લોકો દાજી જવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી ત્રણની હાલત નાજુક જણાતા રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલા ઇટાકોન સીરામીકમાં ગઇકાલ તા.૬-૭ ના સાંજે ચારેક વાગ્યે આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં ભઠ્ઠીમાં લાગેલી આગના લીધે કારખાનેદાર સહિત આઠ લોકો દાજી ગયા હતા.જેમાં રવિભાઇ આદ્રોજા (૨૯), કેવલ વરમોરા, જીતેન્દ્ર વામજા (૪૦), તરુણ ઈશ્વર મારવાણીયા (૪૧), પરેશ જયંતિ વરમોરા (૩૨), અરવિંદ દયારામભાઈ, અમરશી યાદવ (૨૪) અને ભાવેશ મનહર વાઘડિયા (૩૧) ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને જે પૈકી પરેશ વરમોરા, જીતેન્દ્ર વામજા અને રવિ આદ્રોજાની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ ગુજરાત ગેસના ભાવમાં વધારાને લઈને તેની અવેજમાં સીરામીક ઉદ્યોગમાં પ્રોપેન ગેસનો વપરાશ વધ્યો છે. પ્રોપેન ગેસની કેપ્સુલમાંથી પાઇપલાઇન વાટે ગેસને ભઠ્ઠી સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ હતી ત્યારે પાઇપલાઇનમાં પાણી છે કે કેમ તે ચેક કરવા દરમિયાન કોઈ કારણસર પ્રોપેન ગેસ લીકેજ થયો હતો અને ગેસ બર્નર સુધી પહોંચી ગયો હતો અને બર્નરમાં આગ લાગી જવાના લીધે ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો અને આગ લાગવાની આ ઘટના બની હતી.જેમાં કારખાનેદાર સહિત આઠ લોકો દાજી જતા તેઓને મોરબી બાદ આઠ પૈકીના ત્રણને રાજકોટ ખસેડાયા હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
