મોરબીવાસીઓએ આપેલ ખોબલે ખોબલે મતની અસર : ઉદ્યોગકારોને ગેસના ભાવમાં ઘટાડો, ખેડૂતોને પાણીની ભેટ
SHARE
મોરબીવાસીઓએ આપેલ ખોબલે ખોબલે મતની અસર : ઉદ્યોગકારોને ગેસના ભાવમાં ઘટાડો, ખેડૂતોને પાણીની ભેટ
તાજેતરમાં ગુજરાતભરમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ હવે નવા મંત્રીમંડળની રચનાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વાત કરીએ મોરબીની તો મોરબીમાં ત્રણ બેઠકો અને બાજુના જિલ્લાઓની બે બેઠકો મળીને પાંચ બેઠકોનું મતદાન મોરબીમાંથી હતું અને આ પાંચે પાંચ બેઠકોમાં ભાજપને જીત મળી છે અને જંગલી લીડથી અહીં ભાજપના ઉમેદવારોને જીત મળી હોય મોરબીવાસીઓએ ખોબલેને ખોલબે મતના બદલામાં રાજ્ય સરકાર પણ મોરબીવાસીઓ ઉપર વરસી પડી છે અને ઉદ્યોગકારોને ગુજરાત ગેસ તરફથી ગેસના ભાવ ઘટાડા સ્વરૂપે તેમજ શિયાળુ પાક લઈ શકાય તે માટે પાણી છોડીને ખેડૂતોને પણ લાભ આપવામાં આવ્યો છે.
આ અંગે અહીંના લોકપ્રિય આગેવાન અને તાજેતરની ચૂંટણીમાં જંગી લીડથી જીતેલા કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે, સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા અને તેઓની રજૂઆતને સરકારે ધ્યાને લઇને ઉપરોકત પગલા ભર્યા છે.ગુજરાતમાં રેકર્ડ બ્રેક બેઠકો જીતીને મોરબીમાં પણ ભવ્યાતી ભવ્ય જીત બાદ ગેસના ભાવ ઘટાડીને સિરામિક ઉદ્યોગને રાહત મળે એ માટે સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કરેલ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૮.૫૦ ટકાનો એટલે કે રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ રીતે ભારતીય જનતા પક્ષને મળેલા ભવ્ય જનાદેશ અને પ્રચંડ સમર્થન બાદ સરકાર બનાવતા પહેલા જ ભાજપ તરફથી લોક ઉપયોગી કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેને લઇને અહીંના ઉદ્યોગકારો અને ખેડુતોમાં આનંદ વ્યાપી ગયો છે.
ગુજરાત કેસ દ્વારા તાજેતરમાં ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવતા પાઇપલાઇન નેચરલ ગેસના ભાવમાં ૮.૫૦ ટકાનો એટલે કે અંદાજે પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મોરબીના સીરામીક ઉદ્યોગમાં નેચરલ ગેસએ પાયાની જરૂરિયાત છે અને ગત વર્ષમાં નેચરલ ગેસના ભાવમાં ખૂબ વધારો થયો હતો જેને લઈને ઉદ્યોગકારો અકળાઇ ઊઠ્યા હતા અને ત્યારે સસ્તા વિકલ્પોની શોધખોળના સ્વરૂપે પ્રોપેન ગેસ, એલપીજી ગેસ તેમજ છેલ્લે અદાણી ગેસ જેવી કંપનીઓ તરફ પણ ઉદ્યોગકારો દ્વારા નજર દોડાવવામાં આવી હતી જેને પગલે ગુજરાત ગેસની ઊંઘ ગરમ થઈ ગઈ હતી કારણ કે ગુજરાત ગેસનું સૌથી મોટું કંજપ્સન મોરબીમાં છે અને મોરબીના ઉદ્યોગકારો દ્વારા ખૂબ જ મોટી રકમ ગુજરાત ગેસને ચૂકવવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ કોઈપણ લાંબાગાળાની નોટિસ વિના રાતોરા ભાવ વધારા થતા હતા જેને લઈને પણ ઉદ્યોગકારોમાં રોષ હતો તે દરમિયાનમાં પ્રોપેન ગેસ, એલપીજી ગેસ વિગેરેના વિકલ્પો પણ ચકાસવામાં આવતા હતા અને છેલ્લે અદાણી પોર્ટ મુન્દ્રા ખાતેથી રૂા.૫૮ ના ભાવે એલપીજી ગેસ મળે તે માટે ૩૦૦ જેટલા કારખાનાઓ દ્વારા તેમના યુનીટોમાં એલપીજી પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા અને હાલ અન્ય વધુ કારખાનાઓમાં એલપીજી પ્લાન્ટ ફીટ થતા હોય તેવા પણ વાવડ છે તે ઉપરાંત પ્રોટોન ગેસનો પણ નવો વિકલ્પ ખુલ્યો હોય ગુજરાત ગેસની સપ્લાય ઘટી ગઈ હતી અને જે સપ્લાય આશરે ૭૦ લાખ કયુબીક મીટર હતી તે ઘટીને પચાસ ટકા એટલે કે ૩૦ લાખ કયુબીક મીટરએ પહોંચી જતા તાત્કાલિક અસરથી ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં ૮.૫૦ ટકા જેટલો એટલે કે રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવેલ છે અને તે અંગે ઉદ્યોગકારોને સૂચિત કરવામાં આવ્યા છે અહીં નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને બાજુમાં જામનગરની બેઠક કે જેનું મતદાન મોરબીમાં આવે છે તેમાં ભાજપ તરફે લોકોનો જુવાળ જોવા મળ્યો અને તેને લઈને સરકાર દ્વારા ઉદાર વલણ રાખવામાં આવ્યું હોય અને ઉદ્યોગકારોને રાજી કરવા માટે આ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવું હાલના તબક્કે જોવા મળી રહ્યું છે.
શિયાળુ પાક માટે પાણી છોડીને ખેડૂત તેને પણ કરાયા રાજી
સિરામિક ઉદ્યોગકારોને ગેસના ભાવમાં ઘટાડો કરીને જે રીતે રાજી કરવામાં આવ્યા તે રીતે જ શિયાળુ પાક લઈ શકાય તે માટે છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચાડવા માટે ડેમના દરવાજા ખોલીને શિયાળુ પાક માટે પાણી આપવા માટે પણ તજવીજ સારું કરવામાં આવી છે. જેમાં મોરબીના આમરણ અને ધુળકોટ ગામે ચેક ડેમો ભરવા માટે ડેમી-૩ નો એક દરવાજો એક ફૂટ માટે ખોલવામાં આવ્યો હતો અને જેને લઈને હેઠળ વાસના સાતેક ગામોને એલર્ટ પણ કરાયા હતા.છેવાડાના ગામડાઓને સિંચાઈ માટે અને શિયાળુ પાક લેવા માટે પાણી મળી રહે તે માટે કોઈલી ગામના પાસે આવેલ ડેમી-૩ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને ડેમી-૩ નો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો જેમાંથી ૬૬૬.૭૯ કયુસેક પાણી છોડીને આમરણ તરફના ડેમ ભરવામાં આવ્યા હતા અને તેને પગલે કોઈલી, આમરણ, બેલા, ધુળકોટ, જોડિયાનું માવના ગામ મોરબીનું ઝીંઝુડા ગામ સામપર વિગેરે ગામોને પાણી છોડવામાં આવી હોવાની જાણ કરી એલર્ટ કરાયા હતા.
આમ જે રીતે મોરબીવાસીઓએ ભાજપ સરકારને ખૂબ જંગી લીડથી બધી બેઠકો ઉપર કમળ ખીલવી આપ્યા છે તેને લઈને રાજ્ય સરકાર પણ મોરબીવાસીઓ ઉપર વરસી પડી હોય તેમ અહીંના ઉદ્યોગકારો માટે ગેસના ભાવમાં ઘટાડો કરીને ફાયદો કરાવી આપ્યો છે તે રીતે જ શિયાળુ પાક લઈ શકાય તે માટે છેવડાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવા માટે પાણી છોડીને ખેડૂતોને પણ રાજી કરવામાં આવ્યો છે.આમ ભાજપ સરકાર દ્વારા નવી સરકારની રચના થાય તે પહેલા જ લોક ઉપયોગી સેવા કામો કરવાની શરૂઆત કરી દીધી છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.