મોરબીના સાદુળકા ગામે ધાક ધમકી આપીને પરણિત યુવાને સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ: આરોપીની ધરપકડ
SHARE
મોરબીના સાદુળકા ગામે ધાક ધમકી આપીને પરણિત યુવાને સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ: આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના સાદુળકા ગામે રહેતા પરિવારની દીકરીને ધાકધમકી આપીને ગામના જ પરણીત શખ્સ દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય અને બાદમાં ધમકી આપવામાં આવતા હાલ દુષ્કર્મ બાબતે ગુનો નોંધાયો છે.ભોગ બનનાર સગીરા દ્વારા નોંધાવાયેલ ફરિયાદના આધારે હાલમાં આરોપીને પકડીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને ગામના જ પરણીત ઢગા મુકેશ ઉર્ફે ધારો શામજીભાઈ ઉર્ફે સાર્દુરભાઈ સોમાણી જાતે કોળી (ઉમર ૨૩) રહે.સાદુળકા તા.જી.મોરબી વાળાએ સગીરા સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યુ હતુ અને બાદમાં ધમકી આપતો હતો. દરમિયાનમાં સગીરાને દુખાવો ઉપડતા મેડીકલ ચેકઅપમાં તેણી પ્રેગ્નેટ હોવાનું સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.હાલ ભોગ બનેલ સગીરા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે મુકેશ શામજી કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલી હોય તાલુકા પીઆઇ કે.એ.વાળા દ્વારા બળાત્કાર, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને મુકેશ ઉર્ફે ધારો શામજીભાઈ ઉર્ફે સાર્દુરભાઈ સોમાણી જાતે કોળી (ઉમર ૨૩) રહે.સાદુળકા તા.જી.મોરબી વાળાની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
બાળક સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા શંકર જાદવજીભાઈ ઝીંઝુવાડીયા નામના આઠ વર્ષના બાળકને સારવારમાં સિવિલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે અમદાવાદના રહેવાસી ધીરૂભાઈ દ્વારા તેની પાછળ કૂતરૂ ભગાડવામાં આવ્યું હતું અને કૂતરૂ કરડી જતા ઈજા થતાં તેને સારવારમાં લઈ જવામાં આવ્યો છે. આ બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરાયેલ હોય જગદીશભાઈ ડાંગર દ્વારા તેની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં આધેજને ઇજા
મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળના લાયન્સનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ભલાભાઇ સોલંકી નામના ૫૭ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેઓને સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે મનસુખભાઈ સોલંકી પગપાળા વાંકાનેર હાઇવે ઉપરના શક્તિ ચેમ્બર પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટ લેતા સર્જાયેલ અકસ્માતમાં તેમને ઈજા પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.