મોરબીના કંડલા બાયપાસ પાસે બાઇક ટ્રક સાથે અથડાતા ઇજા પામેલ યુવાન રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો
SHARE
મોરબીના કંડલા બાયપાસ પાસે બાઇક ટ્રક સાથે અથડાતા ઇજા પામેલ યુવાન રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા નેક્ષસ સિનેમા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રાત્રિના નવેક વાગ્યે બાઈક લઈને કામ ઉપરથી પરત ઘરે જઈ રહેલ યુવાનનું બાઈક ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલ યુવાનને મોરબી બાદ રાજકોટ અને વધુ સારવાર માટે હાલ અમદાવાદ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બોખાની વાડી વિસ્તારમાં રહેતો કલ્પેશ મનસુખભાઈ નકુમ નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૭-૫ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેનું બાઇક લઈને કામ ઉપરથી પરત ઘરે જવા નીકળ્યો હતો.તે મોરબીના રવાપર બાજુથી કંડલા બાઇપાસ ઉપરથી ઘર તરફ જતો હતો.ત્યારે ત્યાં કંડલા બાયપાસ ઉપર આવેલા નેક્ષસ સિનેમાની નજીક તે ઓવરટેક કરવા જતા તેનું બાઈક ઉભેલા ટ્રકની સાથે અથડાયુ હતું.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કલ્પેશ નકુમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને રાબેતા મુજબ રાજકોટ ખસેડાયો હતો જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેને વધુ સારવાર માટે હાલ અમદાવાદ લઇ જવાયો હોવાનું હાલ રાજકોટ હોસ્પીટલ સુત્રો તેમજ તેના ભાઇ પાસેથી જાણવા મળી રહ્યું છે.
દવા પી જતા મહિલા સારવારમાં
મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના કુંભારિયા ગામે રહેતા અસ્મિતાબેન મુકેશભાઈ દેત્રોજા નામના મહિલા તેઓના ઘરે ઝેરી દવા પી ગયા હોય તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બનાવની નોંધ કરી નિવેદનની પ્રક્રિયા ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે અસ્મિતાબેનનો લગ્નગાળો ૧૪ વર્ષનો છે અને તેઓને બે સંતાન છે.બાળકો સતત હેરાન કરતા હોય તે બાબતની કંટાળી જઈને તેઓએ આ પગલું ભરી લીધું હતું.
વાહન સ્લીપ થતા આધેડને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા નવી પીપળી ગામે રહેતા વિષ્ણુભાઈ અમૃતભાઈ પટેલ નામના ૫૦ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અત્રેની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓ મોરબી-હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે ઘુંટું ગામની પાસે સ્લીપ થઈ ગયું હતું.જે અકસ્માત બનાવમાં તેઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકે જાણ થતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ પટેલ અને અરવિંદભાઈ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.