મોરબીમાં નદીકાંઠે બનાવેલ વિવાદિત દિવાલને સ્વામિનારાયણ સંસ્થા તોડી પાડશે: અધિક કલેક્ટર
SHARE









મોરબીમાં નદીકાંઠે બનાવેલ વિવાદિત દિવાલને સ્વામિનારાયણ સંસ્થા તોડી પાડશે: અધિક કલેક્ટર
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે તેની બાજુમાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે જેને લઈને વિવાદ ઊભો થયો છે જેથી કરીને આજે સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તોની કલેકટરના સહિતના અધિકાકરીઓ સાથે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી જેથી આવતીકાલ એટ્લે કે શુક્રવારથી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધારાની દિવાલ તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલ બનાવવામાં આવી છે તેને લઈને ભવિષ્યમાં હોનારત જેવી દુર્ઘટના થઈ શકે છે તેવી અરજી કરવામાં આવી હતી જેથી તે અંગેની તપાસ કરવામાં આવી હતી જેમાં સંસ્થાએ વધારાનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી વધારનું બાંધકામ તોડી નાખવા માટે પાલિકા અને કલેક્ટર દ્વારા સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી જો કે, દીવાલ તોડવાને બદલે માત્ર પિલ્લોર તોડવાનું કામ છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહ્યું હતુ.
જેથી ગુરુવારે મોરબીમાં કલેક્ટર કચેરીમાં ઇન્ચાર્જ કલેક્ટર અને ડીડીઓ જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાત સહિતના હાજર રહ્યા હતા ત્યારે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર પણ આ બેઠકમાં હાજર હતા. જેમાં આવતીકાલ શુક્રવારથી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધારાની દિવાલ તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેનું જણાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને જગ્યાની માપણીને લઈને પ્રશ્ન છે જેથી ડીએલઆરની માપણી બાદ હવે એસએલઆર પાસે માપણી કરવામાં આવશે. તેવું નિવાસી અધિક કલેકટરે માહિતી આપતા જણાવ્યુ હતું.
વધુમાં અધિકારી એવું પણ જણાવ્યુ છે કે, હાલમાં જે બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સંસ્થાએ તેની માલિકીની જગ્યામાં જ બાંધકામ કર્યું છે, પરંતુ દીવાલ નદીના કાંઠે બનાવેલ છે જેથી કરીને જીડીસીઆરના નિયમોને ધ્યાને રાખીને તે દીવાલને નીચે ઉતારવાનું કામ કરવું જરૂરી છે જેથી સંસ્થાએ તે વધારાની દીવાલ હટાવવાનું કામ શરૂ કરવાની ખાતરી આપેલ છે. અત્રે ઉલેખનીય છે કે, નદીને કાંઠો બાંધેલ હોય તો 15 મીટર અને ન બાંધેલ હોય તો 30 મીટર જગ્યા છોડવાની હોય છે જો કે, ઝૂલતા પૂલની નીચેના ભાગમાં મંદિર બને છે તે બાજુ કાંઠો બાંધેલ હતો જેથી કરીને લગભગ 15 મીટર જગ્યા છોડવાની થશે.
