વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબીને ગ્રોથ એન્જિન બનવવા કટિબદ્ધ બનીએ: કલેક્ટર કે.બી. ઝવેરી
SHARE
વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબીને ગ્રોથ એન્જિન બનવવા કટિબદ્ધ બનીએ: કલેક્ટર કે.બી. ઝવેરી
મોરબીમાં અનેરા ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે લોકોને સંબોધત કહ્યું હતું કે, વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબીને ગ્રોથ એન્જિન બનવવા કટિબદ્ધ બનીએ તે અનિવાર્ય છે.
આ તકે કલેક્ટર કે.બી ઝવેરીએ સ્વાતંત્ર વીરો અને શહિદ વીરો સહિતનાઓને યાદ કરીને શત શત નમન કર્યા હતા અને વિરલ વિભૂતિઓની વર્ષોની આઝાદીની લડતના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતના આ મીઠા ફળ ખાઈ શકીએ છીએ. અને આજની તારીખે સરહદ પર દેશનું રક્ષણ કરી રહેલા તમામ સૈનિકોને હું નત મસ્તક વંદન કરું છું. હર ઘર તિરંગા અભિયાનમાં મોરબી જિલ્લાએ જે જોમ જુસ્સો દેખાડ્યો તે માટે પણ હું જિલ્લા વાસીઓનો આભાર વ્યક્ત કરું છું.
૨૦૪૭ માં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની સાથે વિકસિત મોરબીના સ્વપ્ન વિશે કલેક્ટરએ ઉમેર્યું હતું કે, જેમ વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા ગુજરાત રાજ્ય ગ્રોથ એન્જિન બની રહ્યું છે, તેવી જ રીતે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા મોરબી જિલ્લો ગ્રોથ એન્જિન બની રહે, મોરબીના લોકો શિક્ષણ રોજગારી સહિતના ક્ષેત્રે અગ્રેસર રહી સુખી અને સમૃદ્ધ બને તે માટે સૌએ કટિબદ્ધ બની વહીવટી તંત્રને સહકાર આપી આ વિકાસ યાત્રામાં સહભાગી બનવા જિલ્લા વાસીઓને અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત પ્રજાના કલ્યાણ માટે તેમજ ગ્રામજનોની સુવિધા ઉપરાંત ગામડાના લોકોને જિલ્લા કે તાલુકા મથકે ધક્કો ન ખાવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને લેવામાં આવી રહેલા નવીનતમ પગલાઓ અંગે વિસ્તાર પૂર્વક છણાવટ કરી હતી.આ ઉજવણી અન્વયે કલેક્ટરએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોએ દેશ ભક્તિના રંગેમાં સૌને તરબોળ કરી દે તેવા રાષ્ટ્ર પ્રેમને સમર્પિત ‘ઓ દેશ મેરે’, ‘વિજય ભવ’, ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં’, સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. અને આ પ્રસંગે મોરબી તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં જિલ્લામાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, ઈન્ચાર્જ ડીડીઓ એન.એસ. ગઢવી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.