હળવદમાં ગોડાઉનમાંથી 1437 બેગ યુરિયા ખાતર મળવાના બનાવમાં સપ્લાયર સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
SHARE







હળવદમાં ગોડાઉનમાંથી 1437 બેગ યુરિયા ખાતર મળવાના બનાવમાં સપ્લાયર સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
હળવદની મોરબી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો અને સરકારી યુરિયા ખાતરની ખાલી ગુણીઓ મળી આવી હતી જેથી કરીને ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધેલ હતા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી વિભાગના અધિકારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ક્યાંકને ક્યાંક છાના ખુણે ખાતરનો જથ્થો સગેવગે કરી નાખવામાં આવતો હોય છે જેથી કરીને ખેડૂતોને ખાતર ન મળે અને ઉદ્યોગોમાં કે અન્ય જગ્યાએ ખાતરનો જથ્થો વહેંચી દેવામાં આવતો હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં ગત તા. 7 ના રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની હકીકતા આધારે સ્થાનિક પોલીસે ત્યાં વહેલી સવારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ જે તે સમયે ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ ગોડાઉનમાં પડેલ ખાતરનો જથ્થો તથા ગોડાઉનમાં ઉભેલા ટ્રકમાં ભરેલ ખાતરના જથ્થાની ગણતરી કરવામાં આવી હતી અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી નાયાબ નિયામક વિસ્તરણ અધિકારી તરંગ ફળદુએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય ભુપેન્દ્રભાઈ રાવલ (ગોડાઉન સંચાલક), કયટારામ જાટ (ટ્રક ડ્રાઈવર), કાળુ ખોડાભાઇ મુધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા (ખાતર સપ્લાયર) સામે ફરીયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, આરોપી ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા સરકારનું સબસીડી વાળુ સસાયણિક ખાતર ખેડુતને વિતરણ કરવા માટે એજન્ટ તરીકે નિમવામા આવેલ હોવાનુ જાણવા છતા સરકારની સબસીડી વાળું ખાતર ખેડુતોના ખેતીના ઉપયોગ માટે આપવાના બદલે રાસાયણિક ખાતરનો અલગ અલગ કંપનીનો તથા પ્રકારનો તેમજ માર્કા વગરની બેગમાં ભરીને ઔધૌગિક વપરાશ હેતુ માટે અજય ભુપેન્દ્રભાઈ રાવલ, કયટારામ જાટ અને કાળુ ખોડાભાઇ મુધવાને સંગ્રહ અને વેચાણ માટે આપવામાં આવતું હતું.
જે તે સમયે ગોડાઉનમાંથી ખાતરની 1437 બેગ મળી આવી હતી જેની કુલ કિંમત 5,13,249 નો માલ લાયસન્સ વગર ઔધૌગિક વપરાશ હેતુ માટે વાપરવા અને વેચાણ માટે આપેલ હતો જેથી કરીને ભેળ સેળ વાળુ ખાતર કરીને ટાટા ટ્રક નંબર જીજે 39 ટી 7104 મા આ રાસાયણિક ખાતરની માર્કા વગરની સફેદ રંગની કુલ 700 બેગો ભરી હતી અને આરોપી સરકારની સબસીડી વાળા ખાતરનું ઉંચા ભાવે વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ખાતર તેમજ ટ્રક સહિત કુલ મળીને 25.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ- 316 (5), 54 તથા રાસાયણિક ખાતર (અકાર્બનિક, કાર્બ નિક અથવા મિશ્ર) (નિયંત્રણ) હુકમ 1985 ના ખંડ (7) તથા ખંડ 19 (C)(III) તથા ખંડ 25(1) તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ 3, 7 (1) (એ) (2) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
