મોરબીના પ્રાંત અધિકારી નામંજૂર કરેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી વાળા દસ્તેવાજના મૂળ સુધી તપાસ કરે તો કાયદા નિષ્ણાતોની પણ સંડોવણી ખૂલે તેવા સંકેત
SHARE







મોરબીના પ્રાંત અધિકારી નામંજૂર કરેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી વાળા દસ્તેવાજના મૂળ સુધી તપાસ કરે તો કાયદા નિષ્ણાતોની પણ સંડોવણી ખૂલે તેવા સંકેત
મોરબીમાં વજેપર ગામ સર્વે નંબર ૬૦૨ વાળી કરોડો રૂપિયાની કિંમતી જમીનનું ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધની માલિકીની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી પડાવનાર તથા ખોટી એન્ટ્રી કર્યા બાદ તુરત જ આ જમીનનું વેચાણ કરીને દસ્તાવેજ કરી લેવામાં આવેલ હતો જો કે, કલેકટરમાં કરવામાં આવેલ અપીલમાં સ્ટે આપવામાં આવેલ છે જેથી કરીને મોરબીના પ્રાંત અધિકારીએ વજેપર સર્વે નંબર 602 વાળી જમીનનો બોગસ પુરાવાઓ આધારે કરી લેવામાં આવેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કરલે છે ત્યારે જો તપાસનીસ અધિકારી દ્વારા પ્રાંત અધિકારીએ નામંજૂર કરેલ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી વાળા દસ્તેવાજના મૂળ સુધીની તપાસ કરવામાં આવશે તો ભવિષ્યમાં કાયદા નિષ્ણાતોની પણ સંડોવણી આ કૌભાંડમાં ખૂલે તેવા સંકેતો મળી રહ્યા છે.
મોરબીમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમએ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જમીન કૌભાંડની શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જે ગુનામાં હજુ સુધી કોઈ આરોપી પકડાયેલ નથી અને ફરિયાદી જે ફરિયાદ કરેલ છે તેમાં જણાવ્યુ છેકે, તેઓની વડીલોપાર્જિત જમીન કે જેનો કબ્જો આજની તારીખે પણ તેઓના પરિવારજનો પાસે જ છે તે જમીન પચાવી પાડવા માટે ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો, ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ષડયંત્ર કરવામાં આવ્યુ છે. અને શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહીલાને જમીનમાં વારસદાર બનાવી હતી અને તાત્કાલિક તે મહિલાએ સાગર અંબારામભાઈ ફુલતરીયાને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. 10/7/24 ના રોજ ફરિયાદીની જમીનમાં વારસાઈ કરવા માટે શાંતાબેન મનજીભાઇ પરમારએ ખોટુ સોગંદનામુ કરી તેના આધારે ખોટો વારસાઈ પેઢી આંબો બનાવ્યો હતો. અને બેચરભાઇની દીકરી હોવાની ખોટી શાખ ઉભી કરીને કિંમતી જમીનમાં પોતે વારસાઇ નોંઘ પાડવા મામલતદાર, ઈ-ધારા કેન્દ્ર, મોરબી ખાતે તા. 16/7/24 ના રોજ હક્ક પત્રકની નોંઘ દાખલ કરવા અરજી કરેલ હતી અને ખોટુ સોગંદનામું, માતા-પિતાના ખોટા મરણના દાખલા, ખોટો વારસાઇ પેઢી આંબો બનાવીને જમીનમાં વારસાઈ કરાવી હતી. જેથી ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા વાંધો લેવામાં આવેલ હતો.
તે કેસ મોરબીના પ્રાંત અધિકારી સુશીલ પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લેવામાં આવેલ ન હતા અને ખોટા આધાર પુરાવા રજૂ કરીને જે વરસાઈ કરાવવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા કલેક્ટરમાં અપીલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેકટર કે.બી.ઝવેરીએ ગત તા 29/1/25 ના રોજ વિવાદિત જમીનના રેવન્યુ રેકોર્ડને યથાવત સ્થિતિમાં રાખવા માટે સ્ટે આપવામાં આવેલ છે અને હાલમાં પણ આ અપીલ કેસ ચાલી રહ્યો છે જેની આગામી તા 7/4 ની છેલ્લી મુદત કલેકટરે આપેલ છે તેવી ફરિયાદીના પરિવારના સભ્યો પાસેથી જાણવા મળેલ છે.
અત્રે ઉલેખનીય છેકે, કલેકટરે ગત તા 29/1/25 ના રોજ અપીલ કેસમાં સ્ટે આપેલ હતો અને મોરબી કલેક્ટર કચેરી અને પ્રાંત અધિકારીની કચેરી બંને શહેરના સમાકાંઠા વિસ્તારમાં જ આવેલ છે તો પણ કલેકટરે કરેલ હુકમની જાણ પ્રાંત અધિકારીને મોડી થયેલ હતી કે પછી પહેલા હુકમની અવગણના કરી હતી અને પછી અમલવારી કરેલ છે તે સામાન્ય વ્યક્તિને પણ સમજાય તેમ નથી કેમ કે, કલેકટરે તા 29/1/25 ના રોજ કરેલ હુકમને ધ્યાને લઈને મોરબીના પ્રાંત અધિકારી સુશિલ પરમાર દ્વારા વિવાદિત જમીનનું જે વેચાણ કરવામાં આવ્યું છે તેની હક્કપત્રકે તા 9/1/25 ના રોજ વેચાણ અંગેની નોંધ નંબર 24071 થી નોંધ કરવામાં આવી હતી તેને તા 11/3/25 ના રોજ નામંજૂર કરવામાં આવેલ છે. જો કે, કલેકટરે કરેલ હુકમને પ્રાંત અધિકારી દ્વારા 42 દિવસ પછી કેમ ધ્યાને લેવાયો તે પણ તપાસનો વિષય છે.
હાલમાં જે વ્યક્તિ દ્વારા આ જમીન કૌભાંડની ફરિયાદ કરવામાં આવેલ છે તેને આપેલા વિશેષ નિવેદનમાં તેને 17 વ્યક્તિના નામ લખેલ છે અને હાલમાં જે ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં એસપીની શંકાસ્પદ ભૂમિકા છે તેવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવેલ છે. ત્યારે આ કૌભાંડની તપાસમાં તથ્ય બહાર ન આવે તે માટે કેમ ધમપછાળા કરવામાં આવી રહ્યા છે તે ખુદ ફરિયાદીને સમજાતું નથી. ત્યારે જો આ કેસની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા વેંચાણ દસ્તાવેજ અંગે રેવન્યુ રેકર્ડમાં કરવામાં આવેલ નોંધને પ્રાંત અધિકારી દ્વારા તા. 11/3/25 ના રોજ નામંજૂર કરવામાં આવેલ છે. જેથી કરીને શાંતાબેન પરમાર અને સાગર ફૂલતરિયા વચ્ચે દસ્તાવેજ કરવામાં આવેલ છે તે જમીન વેચાણના દસ્તાવેજની જો ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો આ સમગ્ર કૌભાંડમાં કાયદા નિષ્ણાતોની પણ સંડોવણી સામે આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે, સર્વે નંબર 602 વાળી જમીનમાં આયોજન પૂર્વકનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાથી મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ જે વાંધા અરજી મૂળ માલિક દ્વારા રજુ કરવામાં આવી હતી તેની સાથે ઘણા પુરાવાઓ પણ આપવામાં આવ્યા હતા છતાં પણ પ્રાંત અધિકારી દ્વારા આ રજૂ થયેલા એક જ વ્યક્તિના બે મરણના દાખલા અને જમીનની જુદીજુદી બે ચતુર દિશા થયેલ હતી તેની કોઈ તપાસ કરાવ્યા વગર જે રીતે શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહિલાની વારસાઈ નોંધને પ્રમાણિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેને કોઈ રીતે ભૂલમાં ગણાવી શકાય તેમ નથી અને વૃદ્ધની માલિકીની જમીનમાં ખોટી એન્ટ્રીથી વારસદાર બનીને બોગસ દસ્તાવેજની વેચાણ એન્ટ્રી કરી લેવામાં આવેલ હતી જેને નામંજૂર કરવામાં આવી તેના 14 દિવસ પછી મૂળ મલીકને તેની કોપી આપવામાં આવી છે જે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે જેથી આ ચકચારી કેસમાં વહેલી તકે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી જરૂરી નહીં અનિવાર્ય છે તો જ ભવિષ્યમાં આવા જમીન કૌભાંડો થતાં અટકશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.
