મોરબીમાં વગર વાંકે ઝઘડો કરતાં સાસુની હત્યા કરાવનારા જમાઈના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં સાળા અને બનેવી ઉપર છરી વડે હુમલો, બનેવીનું મોત: ત્રણ આરોપીઓની ધરપકડ
SHARE














મોરબીમાં સાળા અને બનેવી ઉપર છરી વડે હુમલો, બનેવીનું મોત: ત્રણ આરોપીઓની ધરપકડ
મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રહેતા યુવાનને તે જ વિસ્તારમાં રહેતા શખ્સે ફોન કરીને તું ક્યાં છો ? તું મારી વહુ સામે શું કાતર મારે છે ? તેવું કહીને ગઢની રાંગ પાસે બોલાવ્યો હતો જેથી યુવાન તેના બનેવી સાથે સ્થળ ઉપર ગયો હતો ત્યારે ફોન કરનાર શખ્સ અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા છરી વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી યુવાનને ઇજા થઈ હતી જો કે, હુમલો કરનારા શખ્સોને સમજાવવા માટે ગયેલ યુવાનના બનેવીને પડખા અને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા તેમજ માથામાં પથ્થર માર્યા હતા જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન યુવાનના બનેવીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી શહેરના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીનભાઈ ફારુકભાઈ કુરેશી (33)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખાલીદ ફિરોજભાઈ સમા, શકીલ ફિરોજભાઈ સમા અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા રહે. બધા સિપાઈવાસ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપી ખાલીદ સમાએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીને ફોન કરીને “તું ક્યાં છો ?, તું મારી વહુ સામે શું કાતર મારે છે ? તેવું કહીને ફરિયાદીને સિપાઈવાસમાં બોલાવ્યો હતો જેથી ફરિયાદી યુવાન અને તેના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી (22) રહે. સિપાઈવાસ મોરબી વાળા મોરબીમાં આવેલ ગઢની રાંગ પાસે કે.આર. હેન્ડલુમની દુકાન પાસે ગયા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓ હાજર હતા ત્યારે ખાલીદ સમાએ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.
ત્યારે ફરિયાદીને કપાળના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને ફિરોજભાઈએ ફરિયાદીનો કાંઠલો પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ શકીલ સમાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરવા જતા ફરિયાદી પોતાનો હાથ આડો રાખી દીધો હતો જેથી તેને જમણા હાથની ટચલી આંગળીમાં ઇજા થઈ હતી અને ફરિયાદીને માર મારી રહેલા ત્રણેય શખ્સોને સમજાવવા માટે ગયેલ ફરિયાદીના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી ઉપર ખાલીદ સમાએ છરી વડે હુમલો કરીને પડખાની ડાબી બાજુએ છરીનો ઘા માર્યો હતો તેમજ શકીલ સમાએ છરી વડે મકબુલભાઈને ગળાના ભાગે ઇજા કરી હતી અને ફિરોજભાઈએ પથ્થરના છુટા ઘા મારીને માથામાં ઇજા કરી હતી.
જેથી આ બનાવમાં ઇજા પામેલ ફરિયાદી અને તેના બનેવીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ફરિયાદીના બનેવી મકબુલભાઈ મહમદભાઈ કુરેશીનું મોત નિપજ્યું હતું જે હત્યાના બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ અને તેના ટીમે આરોપી ખાલીદ ફિરોજભાઈ સમા (28), શકીલ ફિરોજભાઈ સમા (26) અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા (49) રહે. બધા સિપાઈવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

