ટંકારાના મીતાણા પાસે ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં એકનું મોત, એકને ઇજા: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
ટંકારાના મીતાણા પાસે ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં એકનું મોત, એકને ઇજા: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે તેનો ટ્રક બંધ થઈ જતા કોઈપણ પ્રકારની આડસ કે લાઈટ ચાલુ રાખ્યા વગર રોડ સાઇડમાં ઉભો રાખ્યો હતો જેની પાછળના ભાગે સીએનજી રીક્ષા અથડાઈ હતી જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં અને શરીરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જો કે, રિક્ષામાં બેઠેલા તેના દીકરાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં સરમરીયા દાદાના મંદિર પાસે રહેતા ગોપાલભાઈ દુલાભાઈ દેલવાણીયા (45)એ ટ્રક નંબર જીજે 32 વી 8689 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે બ્રિજ ઉપર આરોપીનો ટ્રક બંધ હાલતમાં પડ્યો હતો અને ત્યાં તેણે કોઈપણ પ્રકારની આડશ રાખી ન હતી અને કોઈ લાઈટ ચાલુ રાખેલ ન હતી. દરમિયાન ફરિયાદીનો નાનો ભાઈ પ્રતાપભાઈ દુલાભાઈ દેલવાણીયા અને તેનો ભત્રીજો નિલેશભાઈ દેલવાણીયા બંને સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 9635 લઈને મોરબીથી છતર પાસે ચિપ્સના કારખાનામાં કામ કરતા કારીગરોને તેડવા માટે જતા હતા ત્યારે ટ્રકની પાછળના ભાગમાં રીક્ષા અથડાઇ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ પ્રતાપભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેના ભત્રીજા નિલેશભાઈને માથામાં ફ્રેક્ચર તથા શરીરે ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે