વાંકાનેરમાં બે ગુનેગારના સરકારી જમીન ઉપર કરાયેલ દબાણ તોડી પાડ્યા: 10 લાખની જમીન દબાણ મુક્ત
SHARE
વાંકાનેરમાં બે ગુનેગારના સરકારી જમીન ઉપર કરાયેલ દબાણ તોડી પાડ્યા: 10 લાખની જમીન દબાણ મુક્ત
વાંકાનેર સીટીમાં શરીરસબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે શખ્સ દ્વારા સરકારી જમીન ઉપર જુદીજુદી જગ્યાએ દબાણ કર્યું હતું જેથી પાલિકા અને રેવન્યુ વિભાગ સાથે સંકલન કરીને આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કુલ મળીને 10 લાખની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર સીટીમાં શરીરસબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપી જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખ રહે. ચંદ્રપુર નાળા પાસે વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર આસરે 80 ચોરસ મીટર જમીન ઉપર અનઅધિકૃત દબાણ કર્યું હતું અને મિલ્કત સબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ આરોપી નવઘણ ભલુભાઇ વિકાણી રહે. નવાપરા દેવીપૂજકવાસ પાસે વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર આસરે 80 ચોરસ મીટર જમીન ઉપર અનઅધિકૃત દબાણ કર્યું હતું જે જમીનની અંદાજીત કિંમત 10 લાખ રૂપિયા થાય છે તે સરકારી જમીન ઉપરનું દબાણ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મામલતદારની હાજરીમાં સિટી પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવેલ છે.