મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
SHARE
ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ખેડૂતોની ટ્રેક્ટર રેલી મોરબીમાં યોજાશે
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટંકારા થી મોરબી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન: હજારો ખેડૂતો જોડાશે
ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તા. 02/02/2026 ના રોજ સવારે 9.30 વાગ્યાથી ઐતિહાસિક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધીની આ રેલી યોજાશે. જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના ખેડૂતો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં 25 - 30 વર્ષ સુધી મહાકાય વીજ લાઈનોના થાંભલાઓ ઉભા રહે, જ્યાંથી વીજ લાઈન પસાર થાય એ ખેતર બિન ખેતી ન થાય, વીજ લાઈન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર + બન્ને બાજુ દશ દશ મીટર અમે મકાન, ગોદામ ન કરી શકે, ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકે અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોયે સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે.
વર્ષ 2013 નો જમીન સંપાદન કાયદો એમ કહે છે કે ખેડૂતોને માર્કેટભાવના 4 ગણું વળતર આપવું, 2025 ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે, માર્કેટભાવના બે ગણું વળતર આપવું, રાજસ્થાન સરકારની 2025 ની SOP એમ કહે છે કે માર્કેટભાવના 4 ગણું વળતર આપવું તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જંત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદેશ્ય 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર માટે રાજસ્થાન સરકાર જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં વહેલો પરિપત્ર કરે નહીંતર આગામી દિવસોમાં આ રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે જેથી ચાર ગણા ભાવનો પરિપત્ર કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે.









