મોરબીના બંધુનગર પાસે યુવાનની હત્યા કરનારા ચારેય આરોપીના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીના બંધુનગર પાસે યુવાનની હત્યા કરનારા ચારેય આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીના બંધુનગર ગામ પાસેથી ચોર સમજીને યુવાનને ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતક યુવાનના ભાઈએ કારખાનાના સિક્યુરિટી ગાર્ડ સહિતના ચાર શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નાથુ લક્ષમણ ભાભર જાતે આદિવાસી (૩૩) રહે. રૂણજી, ભુરીયા ફળીયા,ઘુઘરી, તાલુકો પેટલાવદ જીલ્લો જાંબુઆ (એમ.પી.) વાળાએ શૈલેષ પસવાભાઇ પરમાર જાતે આદિવાસી, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના ભાઈ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભરને ચોર સમજીને તેને પકડીને ચારેય આરોપીઓએ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો જેથી મંગલસીંગનું મોત નીપજયું હતું આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે શૈલેષ પસવાભાઇ પરમાર જાતે આદિવાસી, વિક્રમ સીતારામ ખુવી જાતે જાટવ, રાજેશ મુળજીભાઇ જસાપરા જાતે પટેલ અને પ્રવિણ રણછોડભાઇ ચાંગેલા જાતે પટેલની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે ચારેય આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે યુવાનને માર મારીને હત્યા નિપજાવવાના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ ધોકાને કબજે લીધેલ છે
મહિલા સારવારમાં
માળિયા મીંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતી સબાનાબેન સિરાજભાઈ અનવરભાઈ જેડા નામની ૨૬ વર્ષીય મહિલા તેના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ કરીને બનાવ અંગે મળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબી તાલુકાના જેપુર ગામે રહેતા જેરામભાઈ ચકુભાઈ દલસાણીયા નામના ૮૩ વર્ષેના વૃદ્ધ પંચાસર રોડ ઉપર શિવહોલની પાસે બાઈકમાંથી પડી જતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના બગથળા-માણેકવાડાના રસ્તે આવેલ ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થવાથી કૈલાસભાઈ થારૂભાઈ નામના મજૂર યુવાનને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા મહેન્દ્રસિંહ છોટેલાલ સચાન નામના ૫૫ વર્ષીય આધેડ કારખાનેથી દુકાને વસ્તુ લેવા માટે જતા હતા ત્યારે નાલંદા સ્કૂલ નજીક રાજકોટ હાઇવે ઉપર રોડ ક્રોસ કરતાં સમયે કાર ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી મહેન્દ્રસિંહને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે હળવદના માલણીયાદ ગામે રહેતા કાંતિલાલ લખમણભાઇ ગરાસીયા નામના ૩૦ વર્ષીય યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરના થાન પંથકના અભેપર ગામના વિજય ઠાકરશી મીઠાપરા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લવાયો હતો.
યુવાન સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો દિલાવર સાકીરભાઇ બેલિંમ જાતે મુસ્લિમ નામનો ૪૨ વર્ષનો યુવાન દલવાડી સર્કલ પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં ૧૦૮ વડે ગોપાલભાઈ ગણેશભાઈ કેવટ (૩૦) અને સુખદેવ (૩૦) રહે.બંને મેટ્રોસા સિરામિક સરતાનપર રોડને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા
સુરેન્દ્રનગરના વીસાવળી વિસ્તારમાં ખેતરમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા બાબુભાઈ મોહનભાઈ ઠાકોર નામના ૪૫ વર્ષીય યુવાનને મોરબી લવાયો હતો.જ્યારે શહેરના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા હાર્દિક રવજીભાઈ મુછડીયા નામના ૨૩ વર્ષના યુવાનને વાડકાનેર તાલુકાના રાતી દેવડી ગામે પાનના ગલ્લે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયો હતો અને મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનોજ જ્ઞાનચંદ હિરાણી નામના ૪૩ વર્ષના યુવાનને પંચાસર ચોકડી કંડલા હાઇવે ઉપર ટ્રક સાથે થયેલ અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં લઈ જવાયો હતો