મોરબી એસટી ડેપોની બેદરકારીને છાવરવા માટે ડ્રાઈવરની સામે ધોકા પાછળતા અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધાવવા તજવીજ
SHARE
મોરબી એસટી ડેપોની બેદરકારીને છાવરવા માટે ડ્રાઈવરની સામે ધોકા પાછળતા અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધાવવા તજવીજ
અગાઉ મોરબીમાં એસટી ડેપોમાં બેટરી સહિતનો સામાન ન હોવાના કારણે એસટીની ઘણી બસોને ધક્કા મારીને ચાલુ કરવી પડે આવી પરિસ્થિતિ હતી ત્યારે જે તે સમયે સ્થાનિક પત્રકારો દ્વારા તેના વિવિધ માધ્યમોની અંદર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે કેટલાક એસટી ડેપોના કર્મચારીઓના નિવેદન પણ લીધા હતા જો કે, અધિકારીઓની બેદરકારીનો દોષનો ટોપલો એસટી ડેપોના એક ડ્રાઇવર ઉપર ઢોળીને તેની સામે એક્શન લેવામાં આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી તેની સામે યેનકેન પ્રકારે બદલી સહિતની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ ત્રાસથી કંટાળીને હાલમાં જસદણ ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઇવરે એસટી વિભાગના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરીને તેની સામે ખોટા રિપોર્ટ રજૂ કરનાર અધિકારી સહિતની ઓથોરિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની મંજૂરી માંગવામાં આવી છે અને જો ૧૫ દિવસની અંદર મંજૂરી નહીં આપવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવશે અને ફોજદારી ગુનો દાખલ કરાવવા માટે થઈને કાર્યવાહી હાથ ધરશે તેવું ભોગ બનેલા ડ્રાઈવરે જણાવ્યું છે
ગુજરાત એસટીના મોરબી ડેપોમાં અગાઉ ઘણી બસો કંડમ કરવા યોગ્ય હતી તેમ છતાં પણ તેને મુસાફરોના જોખમે જુદાજુદા રુટ ઉપર ચલાવવામાં આવતી હતી અને અંદાજે બે વર્ષ પહેલા મોરબી એસટી ડેપોમાં દોડાવવામાં આવતી બસોમાં બેટરી સહિતનો માલ સામાન ઉપરથી ન આવવાના કારણે એસટી બસ કોઈપણ જગ્યાએ ઊભી રાખે તો ત્યારબાદ તેને ધક્કા મારીને શરૂ કરવી પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના રોકણ કરતી બસોને સવારે જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે ગામના મુસાફરોને ધક્કા મારવા પડે આવી જ રીતે મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી કરવામાં આવેલ બસો બપોરે ૧૨ વાગ્યે જ્યારે વિદ્યાર્થીઓને લઈને પરત ગામડા તરફ જવાની હોય ત્યારે તેને ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓ અને એસટીના કર્મચારીઓને ટધક્કા મારીને ગાડીઓ ચાલુ કરવી પડે આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી
ત્યારે મોરબી એસટી ડેપોની બસો ધક્કા ગાડી છે આ પ્રકારના સમાચારો સ્થાનિક માધ્યમોમાં પ્રસિદ્ધ થયા હતા અને ત્યારબાદ આ સંદર્ભે મોરબી એસટી ડેપોમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા ત્યારે તેમના તરફથી પણ મોરબી એસટી ડેપોમાં બેટરી સહિતનો માલ ઉપરથી ન આવતો હોવાના કારણે એસટીની બસોમાં થોડી ક્ષતિ છે અને ધક્કા મારીને ગાડી ઉપાડવી પડે છે આ બાબતને સમર્થન આપવામાં આવ્યું હતું અને તેના પણ સમાચારો ઇલેક્ટ્રોનિક મધ્યમમાં પ્રસિદ્ધ થયા હતા પરંતુ ત્યારબાદ મોરબી એસટી ડેપોમાં જે તે સમયે ડ્રાઇવર તરીકે ફિક્સ પગારમાં ફરજ બજાવતા ઝાલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ સામે પગલાં લેવામાં આવ્યા હતા અને જે તે સમયે મોરબી એસટી ડેપોના ડેપો મેનેજર સહિતના જે કોઈ અધિકારીઓ દ્વારા સત્યને છુપાવવા માટે અને પોતાની બેદરકારીને છુપાવવા માટે સમગ્ર દોષનો ટોપલો તેની ઉપર ઢોળીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી
આટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં અધિકારીઓએ સત્યને દબાવીને સત્તાનો દુરુપયોગ કરી અલગ અલગ જગ્યા ઉપર વારંવાર ડ્રાઇવરની સામે બદલી સહિતના પગલાં લીધેલા છે અને તેનાથી તેને પારિવારિક અને આર્થિક નુકસાન થયું છે ત્યારે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન થતું હોવા છતાં પણ જવાબદાર અધિકારીઓ મૌન હતા અને પત્રકારો દ્વારા સમગ્ર મામલાને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવ્યો હતો તેમ છતાં ડ્રાઇવર કુલદીપસિંહ ઝાલા સામે સ્થાનિક અધિકારીઓ દ્વારા ઉચ્ચ અધિકારી સમક્ષ જે ખોટા રિપોર્ટ કરવામાં આવ્યા અને તે રિપોર્ટને જ ધ્યાને રાખીને કોઈ રજૂઆત સાંભળ્યા વગર ડ્રાઇવરની સામે અધિકારીઓ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા તેની સામે ડ્રાઈવર કુલદીપસિંહ ઝાલા દ્વારા હાલમાં તેઓ જસદણ ડેપો ખાતે ફરજ બજાવી રહ્યા છે ત્યાંથી ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડિરેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને જે લોકોએ તેના વિરુદ્ધમાં ખોટા રિપોર્ટ કર્યા હતા અને છેલ્લા બે વર્ષથી તેની સામે ખોટી રીતે સત્તાનો ઉપયોગ કરીને પગલાં લઈ રહ્યા છે તે તમામ અધિકારીઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે થઈને મંજૂરી માંગવામાં આવી છે અને જો ૧૫ દિવસની અંદર મેનેજિંગ ડિરેક્ટર તરફથી મંજૂરી નહીં મળે તો તેમના તરફથી મંજૂરી મળી ગયેલ છે તેમ સમજીને તેઓ ફોજદારી ગુનો નોંધાવવા માટે થઈને કાર્યવાહી શરૂ કરશે અને તેની સાથો સાથ ન્યાય મેળવવા માટે થઈને આગામી દિવસોમાં તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમની લેખિત રજૂઆત કરશે તેવું તેમણે જણાવ્યું છે