મોરબીના મકનસર ગામે ગાળો બોલવાની ના પાડતા યુવાન અને તેના મિત્ર ઉપર કુહાડા વડે હુમલો, વાહનમાં તોડફોડ
SHARE
મોરબીના મકનસર ગામે ગાળો બોલવાની ના પાડતા યુવાન અને તેના મિત્ર ઉપર કુહાડા વડે હુમલો, વાહનમાં તોડફોડ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે ગાળો બોલવાની બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સમજાવવા અને વાતચીત કરવા ગયેલા યુવાનો ઉપર કુહાડી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બંને પક્ષ તરફથી સામસામે મારામારીની ફરિયાદો નોંધાતા હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ સોલંકી પાન નજીક અમુક લોકો પાનના ગલ્લા પાસે ઓટા ઉપર બેઠા હતા ત્યારે ત્યાં મકનસર ગામમાં રહેતો નીતિન પરમાર તથા તેના મળતીયા બોલેરો કારમાં આવ્યા હતા અને ત્યાં બેઠેલા લોકોના ઉપર બોલેરો ચડાવી દેવાની વાત નશાની હાલતમાં કરતા હતા અને ગાળો બોલતા હતા જેથી કરીને વિના કારણે ગાળો કેમ આપો છો..? તેથી કિશનભાઇ અને તુલસીભાઈ રફાળેશ્વરથી મકનસર જઈને સામવાળાઓએ સમજાવવા માટે ગયા હતા તે દરમિયાન તેઓ ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પાછળથી તેમને લેવા માટે ભાવેશ ગુલાબભાઈ મુછડીયા (ઉમર ૧૮) રહે.રફાળેશ્વર વાળો પણ મકાનસર ગયો હતો.તે દરમ્યાન સામેવાળા નીતિન પરમાર તથા તેની સાથેના ઈસમો ઉશ્કેરાઇ ગયા હતા અને ઝઘડો કર્યા બાદ ભાવેશ ગુલાબભાઈ મુછડીયાના ડાબા પગના પંજા ઉપર કુંહાડીનો ઘા કર્યો હતો અને તેની સાથો સાથ ભાવેશની સાથેના કિશનભાઇના એક્સેસ સ્કુટરમાં પણ પાઇપ વડે તોડફોડ કરીને નુકસાન કરવામાં આવ્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી હાલ ભોગ બનેલ ભાવેશ મૂછડીયાએ સારવાર લીધા બાદ તાલુકા પોલીસ મથક ખાતે મકનસર ગામના નીતિન પરમાર અને પ્રકાશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે જેથી ગુનો નોંધી તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે સામેના પક્ષેથી સંગીતાબેન નીતિનભાઇ વાલજીભાઇ પરમાર (૨૭) રહે. જુના મકનસર વાળાએ રફાળેશ્વર ગામના ચંદ્રેશભાઇ અને ભાવેશભાઇ મૂછડીયા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે સામેવાળાઓએ અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને તેમના પતિ નીતિનભાઈને ડાબા પગના ભાગે લોખંડનો પાઇપ ફટકારીને ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને આ મારામારીના બનાવની આગળની તજવીજ હાથ ધરી છે.
કામ દરમિયાન ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર આવેલ શિવમ સરફેસ નામના યુનિટમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં કારખાનામાં કામ કરતા સમયે ઇજા થતાં સુમિતભાઈ ચાવડા (ઉમર ૩૬) ને ઇજા પહોંચતા મોરબીના શનાળા રોડ ઉપર આવેલી નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ બનાવા અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને આ બનાવની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા જેપુર ગામે રહેતા વિનોદ રવજીભાઈ બોસિયા નામના ૩૯ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સામે આવ્યુ હતુ કે જેપુર ગામના બસ સ્ટેશન પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક ત્યાં સ્લીપ થઇ જતા તેને ઇજાઓ પહોંચી હતી હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા છે.