ટંકારાના લજાઈ પાસે હોટલ થયેલ જુગારની રેડની તપાસમાં SMC નો ધડાકો: પીઆઇ-હેડ કોન્સટેબલ બંને સસ્પેન્ડ-બદલી
SHARE







ટંકારાના લજાઈ પાસે હોટલ થયેલ જુગારની રેડની તપાસમાં SMC નો ધડાકો: પીઆઇ-હેડ કોન્સટેબલ બંને સસ્પેન્ડ-બદલી
ટંકારા તાલુકાનાં લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવતા ગઇકાલે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ટ હોટલે આવી હતી અને આજે આ તપાસના અંતે ટંકારા પોલીસ સ્ટેશનના પહેલા પીઆઇ અને એક હેડ કોન્સટેબલને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને બંનેની જિલ્લા બહાર બીજા જીલ્લામાં બદલી કરવામાં આવેલ છે.
ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાને પકડવામાં આવેલ હતા અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળાને પકડવાનો બાકી હતો.
જો કે, જે આરોપીઓની સામે ગુનો નોંધાયેલ હતો તેમાં અકે આરોપીનું નામ ખોટું લખાવવામાં આવ્યું હતું જેનું ખોટું નામ રવિ મનસુખભાઇ પટેલ હતું અને તપાસમાં તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોવાનું સામે આવ્યું હતું જેથી તે કલમનો પણ જુગારના ગુનામાં ઉમેરો કરવામાં આવેલ હતો. જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી અંગેની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવી હતી જેથી કરીને શુક્રવારે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલ ખાતે પહોંચ્યો હતો અને સતત 9 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી.
હાલમાં એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયા પાસેથી મળેલ માહિતી મુજબ કમ્ફર્ટ હોટલમાં જે જુગારની રેડ કરવામાં આવી હતી તે બાબતમાં ટંકારાના જે તે સામના પીઆઇ. વાય.કે. ગોહેલ અને એક હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને પીઆઇ. વાય.કે. ગોહેલની મોરબી જિલ્લામાંથી અરવલ્લી જીલ્લામાં બદલી કરવામાં આવેલ છે જયારે હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જીલ્લામાં બદલી કરવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રોકડ રૂપિયા 12 લાખ બતાવવામાં આવેલ છે તે રૂપિયા હાજર ન હતા તો પણ તેને બહારથી લાવીને રેડના કામે બતાવવામાં આવ્યા હતા જેથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે જો કે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે પરંતુ કેટલી રકમનો અને કેવી રીતે તે દિશામાં હજુ પણ તપાસ ચાલી રહી છે.
