ભમાશાઓને સલામ: મોરબીમાં ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું 75 લાખથી વધુનું દાન
SHARE









ભમાશાઓને સલામ: મોરબીમાં ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું 75 લાખથી વધુનું દાન
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેના માટે જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે ત્યારે ગઇકાલે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળના ગૌવંશો માટે દાન એકત્રીત કરવા માટે ધારાસભ્ય અને ટ્રસ્ટીઓ સહિતના હાજર રહ્યા અને ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી છુટા હાથે દાન આપવામાં આવ્યું હતું જેથી કરીને એક જ દિવસમાં 75 લાખથી વધુનું દાન મોરબીની પાંજરાપોળને મળેલ છે.
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ આવેલ છે જેમાં આજની તારીખે અંધ, અપંગ, નિરાધાર ગૌવંશોને રાખવામા આવે છે અને તેનો નિભાવ કરવામાં આવે છે. હાલમાં મોરબી પાંજરાપોળમાં 5320 જેટલા ગૌવંશોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને ઉદ્યોગકારો સહિતના લોકો તરફથી કુલ નહિ તો ફુલની પાંખડી સમાન દાન આપવામાં આવે છે ત્યારે ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય મોરબીના લોકોને પાંજરાપોળમાં દાન આપવા માટે અપીલ કરવામાં આવી હતી.
ત્યારે મોરબીના ધારાસભ્ય અને ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયા, પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ ઉઘરેજા, હિતેશભાઇ ભાવસાર સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. ત્યારે મોરબીના ઉદ્યોગકારો સહિતના નગરજનો દ્વારા પાંજરાપોળને રોકડ દાન તથા ઘાસચારો સહિત આપવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં જુદી-જુદી 38 જગ્યાએ સ્ટોલ રાખવામા આવેલ છે ત્યાં જઈને લોકો દાન આપી રહ્યા છે. અને વધુમાં મોરબી પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યુ હતું કે, મોરબીના લોકો પાસેથી જ દાન લઈને પાંજરાપોળનો વહીવટ કરવામાં આવે છે બીજા શહેરમાં ફાળો કે દાન લેવા માટે કોઈ જતું નથી.
હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌવંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે, આ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે
મકરસંક્રાંતિએ લોકો દાન આપતા હોય છે ત્યારે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં રાખવામા આવેલ સ્ટોલ ઉપર 75 લાખથી વધુનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું તેવી ટ્રસ્ટી પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મકરસંક્રતિના દિવસે રાજકીય અને સમાજિક આગેવાન સહિતના લોકો દ્વારા ગૌસેવાના કામ માટે વધુમાં વધુ દાન આપવા માટે મોરબીના લોકોને અપીલ કરવામાં આવી હતી.
