મોરબીના શનાળા ગામનો બનાવ : શેરીમાં બાઇક ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી બાદ સામસામે ધોકા-પાઇપ વડે ધીંગાણું
SHARE







મોરબીના શનાળા ગામનો બનાવ : શેરીમાં બાઇક ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી બાદ સામસામે ધોકા-પાઇપ વડે ધીંગાણું
ઇજાગ્રસ્તને કારમાં સારવાર માટે લઈ જતા સમયે કારને અટકાવીને કારમાં પણ તોડફોડ : બાદમાં કાર વડે મહિલાને પણ હડફેટે લેવાયા : સામસામે ફરિયાદો નોંધાવાતા પોલીસ તપાસ શરૂ
મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ પ્લોટ વિસ્તારના આંબેડકર ચોકમાં ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં બે પરિવારો વચ્ચે સામસામે ધોકા-પાઇપ અને ટામી વડે મારામારી થઈ હતી.જેમાં ઇજા પામેલાઓને સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં બંને પક્ષ તરફથી સામસામે ફરિયાદો નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવ સંદર્ભે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં મહિપતભાઇ અમરશીભાઈ સનારીયા (31) રહે.શક્તિ પ્લોટ શક્તિ માતા મંદિર પાસે શનાળા વાળાએ સામેના પક્ષના નૈતિક વિનોદ વાઘેલા, વિનોદ અમરશીભાઈ વાઘેલા, કાનાભાઈ નથુભાઈ વાઘેલા, કિશોર નથુભાઈ વાઘેલા, દિનેશ અમરશીભાઈ વાઘેલા, નથુભાઈ વાઘેલા અને પ્રવીણ નથુભાઈ વાઘેલા એમ સાત સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આરોપી પૈકીના નૈતિક સાથે તેમના ભત્રીજા શરદને ગત તા.18 ના બોલાચાલી ઝઘડો થયો હતો.તે બાબતનો રોષ રાખીને સમાધાનની વાત કરવા માટે બોલાવ્યા બાદ ઉપરોક્ત સાતેય ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા-પાઇપ અને ટામી ધારણ કરીને હુમલો કર્યો હતો અને દરમિયાનમાં ફરિયાદીના દીકરા અલ્પેશ (ઉંમર વર્ષ ૦૪) ને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ફરિયાદીના પત્ની દિવ્યાબેનને તથા ભાભી રેખાબેનને અને ફરિયાદીના કૌટુંબિક ભાઈના દિકરા મિલનભાઇને પણ ધોકા પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. અને દરમિયાનમાં ફરિયાદીના બનેવી અશ્વિન સુંદરજીભાઈ પરમારની અર્ટીકા કાર નંબર જીજે 36 એપી 4948 માં ફરિયાદીના પુત્રને સારવાર માટે લઈ જવામાં આવતો હતો.ત્યારે ગાડી ઉભી રખાવીને તેઓ ઉપર પુનઃ પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં કારના બોનેટ અને કાચ સહિતના ભાગમાં ધોકા-પાઇપ મારીને કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને કારમાં 25,000 ની નુકસાની કરવામાં આવી હતી તેમ પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
જ્યારે સામેના પક્ષેથી હિતેશભાઈ મહેશભાઈ વાઘેલા (19) રહે.શક્તિ માતા મંદિર પાસે આંબેડકર ચોક શનાળા વાળાએ સામેના પક્ષના રસિક કેશુભાઈ સનારીયા, મહિપત અમરશીભાઈ સનારીયા, હરેશ ગોવિંદભાઈ સનારીયા અને વિજય ગોવિંદભાઈ સનારીયા સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, તેઓને હરેશભાઈની માતા સાથે શેરીમાંથી મોટરસાયકલ ધીમુ ચલાવવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.તે વાતનો રોષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરિયાદી હિતેશભાઈના મોટા બાપુ વિનોદભાઈને તથા કાકા કાંતિભાઈને અને ભાઈ સિદ્ધાર્થને ગાળો આપી હતી અને ઠીકાપાટુનો માર માર્યો હતો.તથા આરોપીઓ પૈકીના રસિકભાઈએ ફરિયાદી હિતેશભાઈને લાકડાના ધોકા વડે પડખાના ભાગે માર મારીને ઇજા પહોંચાડી હતી.તેમજ અર્ટીકા કાર વડે ફરિયાદીના ફૈબાને હડફેટે લીધા હતા અને રોડ ઉપર ઢસડ્યા હતા અને ઇજાઓ પહોંચાડી હતી.આ મતલબની ફરિયાદ નોંધાવેલી હોય હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના નવનિયુક્ત પીઆઇ આર.એસ.પટેલ દ્વારા બંને પક્ષેથી સામસામે ફરિયાદો લઈને આ અંગે હુમલાખોરોને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી.
પરણીતા સારવારમાં
મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલ જૈન દેરાસર વાળી શેરી ખાતે રહેતા રોહિતભાઈ સુરેશભાઈ સોજીત્રાના પત્ની ગાયત્રીબેન (ઉંમર વર્ષ 21) એ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું.જેથી કરીને ગાયત્રીબેન રોહિતભાઈ સોજીત્રાને અત્રેની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલા છે.હાલ આ બનાવને પગલે પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને આ બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.જ્યારે મોરબીના કાલીકા પ્લોટ શેરી નંબર-૨ માં રહેતા અહેમદ અલ્લારખાભાઈ કુરેશી નામનો 38 વર્ષનો યુવાન તેના ઘરે પડી જતા ઇજા પામતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો
