ટંકારાના લજાઈ પાસેથી આઇસરમાં ભરેલ 1.27 લાખના પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી વેપારીને ન પહોચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત
SHARE
ટંકારાના લજાઈ પાસેથી આઇસરમાં ભરેલ 1.27 લાખના પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી વેપારીને ન પહોચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત
ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ એવન પ્લાસ્ટિક નામના કારખાનામાંથી પ્લાસ્ટિકની ખુરશી તથા ટેબલનો માલ આઇસર વાહનમાં ભરીને રાજપીપળાના વેપારીને મોકલવામાં આવ્યો હતો જો કે આઇસર વાહનના ચાલકે તે માલ વેપારી સુધી ન પહોંચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કર્યો છે જેથી કરીને હાલમાં કારખાનેદાર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર વાહનના ચાલક સામે 1,27,525 રૂપિયાની કિંમતના માલનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ સીટી મોલની પાછળ નીલકંઠ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા વિનોદભાઈ મહાદેવભાઇ સોરીયા (46)એ આઇસર નંબર જીજે 14 એક્સ 8201 ના ચાલક અરજણભાઈ ફાતાભાઇ બારીયા રહે. પઠારા જીલ્લો મહીસાગર વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, લજાઈ ગામ નજીક એવન પ્લાસ્ટિક નામનું તેમનું તથા સાહેદનું કારખાનું આવેલ છે જેમાંથી રાજપીપળાના વેપારીને ઓર્ડર મુજબ પ્લાસ્ટિકની 1085 ખુરશીઓ તથા 16 સેન્ટર ટેબલ જેની કુલ કિંમત 1,27,525 રૂપિયા થાય છે તે આઇસરના ચાલકે કારખાનેથી પોતાના વાહનમાં માલ ભર્યો હતો અને ત્યારે બાદ રાજપીપળા ખાતે વેપારીને તે માલ ન પહોંચાડીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી હાલમાં ભોગ બનેલ કારખાનેદાર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હાથ કપાઈ જતા મજુર સારવારમાં
મોરબીના સામાકાંઠે લખધીરપુર રોડ ઉપર આવેલ શ્રીજી વિટ્રીફાઇડના લેબર કવાટરમાં રહેતા અને મૂળ ઢેલાણાના વતની પ્રભુભાઈ લીંબારામજી મિણા (ઉમર ૨૬) નામનો યુવાન કારખાનામાં કામ કરતો હતો.ત્યારે કન્વેન્યર બેલ્ટમાં હાથ આવી જતા હાથ કપાઈ ગયો હોવાથી તેને સારવારમાં લઇ જવાયો હતો.જેથી બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી હતી.જ્યારે મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા રાજેશભાઈ અભયસિંહ રાઠોડ નામના ૨૪ વર્ષીય યુવાનને થોરાળા ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.આ બનાવની હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર નજીક આવેલ વરૂડી ચેમ્બર પાસે એ ટુ ઝેડ એન્જિનિયરિંગ ખાતે રહેતા તેજસકુમાર ભીખાભાઈ નામનો યુવાન જતો હતો.ત્યારે સરોવર પાર્ટીકો હોટલ નજીક ખોડીયાર મંદિર પાસે એકટીવા-બાઈક અકસ્માતમાં તેને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.વાંકાનેરની ઢુવા ચોકડી નજીક રહેતા પૂજાબેન મંગલજીત નિશાંત નામના ૨૬ વર્ષીય મહિલાને મારામારીમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા.તેમજ પ્રકાશ જેઠાલાલ પંડયા બાઈક લઈને જતા હતા ત્યારે પીપળી રોડ ઉપર બાઈક લઇને જતાં ઇજા થતા ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મહિલા સારવારમાં
હળવદના સુસવાવ ગામે રહેતા લાભુબેન મનસુખભાઈ જાંબુકિયા નામના મહિલા ભત્રીજાની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સાથે ભૂંડ અથડાતા તેણીને ઈજા થવાથી સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પંચાસર રોડ સ્વાતી પાર્ક ખાતે રહેતા મોનિકાબેન ગોપાલભાઈ ચુડાસમા નામની ૨૬ વર્ષીય પરણીતાને જામનગર ખાતે તેમના ઘરે પતિ અને સાસુ-સસરા દ્વારા માર મારવામાં આવ્યો હોવા સબબ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સિવિલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.









