મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધ છ મહિનાથી ગુમ, શોધખોળ શરૂ
SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધ છ મહિનાથી ગુમ, શોધખોળ શરૂ
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધ અગાઉ અનેક વખત ઘરેથી કહીને અથવા કહ્યાં વગર કોઈ ધાર્મિક સ્થાને ચાલ્યા જાય અને ત્યાં ત્રણ-ચાર મહિના રોકાય તેવું બનતું અને ત્યારે તેઓ જયાં રોકાયા હોય ત્યાંથી ફોન કરતા અથવા તો થોડા સમય બાદ તેઓ ત્યાંથી પરત આવી જતા હતા.પરંતુ તે વૃદ્ધ છેલ્લા છ મહિનાથી કયાંક ચાલ્યા ગયા હોય અને તેમનો કોઈ ફોન પણ આવ્યો ન હોય અને તે હાલ ક્યાં છે તેનો કોઇ અતોપતો ન હોય વૃદ્ધના પુત્ર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે ગુમ થયેલા વૃદ્ધની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા મહેન્દ્રનગર ગામે સાનિધ્ય પાર્ક સોસાયટી બાલાજી પાનવાળી શેરી પ્રકૃતિ સોસાયટી પાસે ખાતે રહેતા અને મૂળ હળવદના ઈશ્વરનગર ગામના શૈલેષભાઈ દેવકરણભાઈ કુણપરા પટેલ નામના યુવાને પોલીસ મથક ખાતે જાહેર કર્યું હતું કે, ગત તા.૨૫-૧૦-૨૪ ના સવારે છએક વાગ્યેથી તેઓના પિતા દેવકરણભાઈ ગાંડુભાઇ કુણપરા પટેલ (૬૭) હાલ રહે.મહેન્દ્રનગર મૂળ ઇશ્વરનગર વાળા ક્યાંક ચાલ્યા ગયા છે અને અનેક શોધખોળ કરવા છતાં તેઓનો પતો લાગ્યો નથી.માટે શૈલેષભાઈની ફરિયાદ ઉપરથી પોલીસે દેવકરણભાઈ કુણાપરાની ગુમસુધા નોંધ દાખલ કરી તેઓની તપાસ હાથ ધરી છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા દેવકરણભાઈ અગાઉ પણ અનેક વખત ત્રણ-ચાર મહિના કોઈને કોઈ ધાર્મિક સ્થળે ચાલ્યા ગયા હોય અને ત્યાંથી તેઓ ફોન કરતા હોય અથવા તો ત્રણ-ચાર મહિનામાં પરત આવી જતા હોય તેવું બનેલું છે.જોકે આ વખતે ગત તા.૨૫-૧૦-૨૪ ના તેઓ ગયા ત્યારબાદ તેઓનો ફોન આવ્યો નથી અને તેઓ ક્યાં છે તેની કોઈ ભાળ મળી ન હોય હાલ તેમના પુત્ર દ્વારા જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા ગુમ થયેલા દેવકરણભાઈ નામના ૬૭ વર્ષના વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે.
રસ્તાના ખાડામાં બાઈક સ્લીપ થતા યુવાન સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા પાનેલી ગામ બાજુથી મોરબી બાજુ આવતુ બાઈક રોડ ઉપરના ખાડાના લીધે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તારાચંદ જગદીશભાઈ (ઉમર ૨૮) રહે.નવા જાંબુડીયા તા.જી. મોરબી ને ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ગાંધી ચોક વિસ્તાર પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે ચારેક વાગ્યે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા રફિકભાઈ અકબરભાઈ મકરાણી (ઉંમર ૨૩) રહે.મકરાણીવાસ સબજેલ ચોક પાસે ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો હતો.
છરી લાગતા રાજકોટ ખસેડાયો
મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે ઝઘડો થયા બાદ માથાના ભાગે છરી લાગી જતા વિરેન્દ્ર બિરકિશભાઈ સુનાર (ઉમર ૨૫) રહે. હાલ દર્પણ પેલેસ અવની ચોકડી પાસે રવાપરને અત્રે સીવીલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું એ ડિવિઝન પોલીસ સુત્રોએ જણાવેલ છે અને બનાવ સંદર્ભે સ્ટાફના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.ઝગડો કયા કારણોસર થયો તે હાલ સામે આવ્યુ નથી.
