મોરબી યાર્ડના શાકભાજી વિભાગમાં આડેધડ વાહન પાર્કિંગ, ગંદકી અને બહારના ભાગે મલનું વેચાણ સહિતના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા વેપારીઓની માંગ
SHARE







મોરબી યાર્ડના શાકભાજી વિભાગમાં આડેધડ વાહન પાર્કિંગ, ગંદકી અને બહારના ભાગે મલનું વેચાણ સહિતના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા વેપારીઓની માંગ
મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં વેપાર કરતાં વેપારીઓને ત્યાં હાલમાં શ્રાવણ માસમાં ગ્રહકો માલ લેવા માટે આવે છે ત્યારે ત્યાં આડેધડ વાહન પાર્કિંગ, ગંદકી અને તૂટેલા રસ્તા જેવી સમસ્યા છે અને યાર્ડની બહારના ભાગમાં શાકભાજી-ફ્રૂટ વિગેરેનું વેચાણ કરવામાં આવે છે જેથી યાર્ડના વેપારીઓના વેપારને સીધી અસર થાય છે જેથી કરીને ગેરકાયદે વેપાર બંધ કરાવીને જે સમસ્યાઓ છે તેને કાયમી ધોરણે ઉકેલવામાં આવે તેવી માંગ શાકભાજી વિભાગના વેપારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ફ્રૂટ, બટેકા અને શાકભાજીની ખરીદીમાં હાલ ગ્રાહકોનો ધસારો જોવા મળે છે. જેમાં બહારગામથી અને મોરબીના અન્ય વિસ્તારોમાંથી ખરીદી માટે ગ્રાહકો આવે છે અને તેઓને માલની ખરીદી વહેલાસર કરીને પોતાના સ્થાને પહોંચી માલ વેચવાનો હોય છે. જેથી શાકભાજી વિભાગ અંદર અને રસ્તામાં બહાર આડેધડ પાર્ક કરેલા ખાલી વાહનો અને વચ્ચે ઉભી રાખેલ રિક્ષાઓ ખૂબ જ અડચણરૂપ બને છે.
ખેડૂતોને સારો ભાવ મળે અને ગ્રાહકોને બજારભાવે સારો માલ મળી રહે તે ઉદ્દેશ્યને પૂરો કરવા રચાયેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલ શાકભાજી વિભાગ પ્રત્યે ઘોર દુર્લક્ષ સેવી રહી હોઈ તેવું દેખાઈ રહ્યું છે. શાકભાજી અને ફ્રૂટ જેવા ખાદ્ય વસ્તુઓના વેપારની જગ્યા એટલે શાકભાજી વિભાગમાં ગંદકી, ગંદાપાણી ભરેલા તૂટેલા રસ્તાઓ અને માલ ઉતારવાના પ્લેટફોર્મનો અભાવ, દરરોજ વેપારના સમય પછી દુકાનેથી કચરો એકઠો કરવાની વ્યવસ્થા ઠપ થયેલ છે અને શાકભાજી વિભાગમાં અંદર ગેરકાયદેસર બની ગયેલ રિક્ષા સ્ટેન્ડ અને જાતે વાહન લઈ ખરીદી કરવા આવનાર ગ્રાહકો સાથે દરરોજ યાર્ડમાં આવતા રિક્ષા ચાલકોના વારંવારના ઝઘડા નિવારવા યાર્ડનું તંત્ર સદંતર નિષ્ફળ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
શાકભાજી વિભાગના ઉપરોક્ત સમસ્યાઓ સાથે, યાર્ડના મેઇન ગેટ પાસે બહાર સીધા વાહનો રાખી માલનું સીધું વેચાણ કરવામાં આવે છે જેની સીધી અસર યાર્ડના વેપારીઓના વેપાર ઉપર જોવા મળી રહી છે. જેથી આ બાબતે યાર્ડના સંચાલકો દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી મોરબી શાકભાજી વિભાગના વેપારીઓએ વ્યક્ત કરી છે.
