મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન
ટંકારા જુગારની રેડ: 51 લાખની લાંચના ગુનામાં પકડાયેલ હેડ કોન્સટેબલના રેગ્યુલર જામીનની અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ
SHARE







ટંકારા જુગારની રેડ: 51 લાખની લાંચના ગુનામાં પકડાયેલ હેડ કોન્સટેબલના રેગ્યુલર જામીનની અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટે કરી રદ
ટંકારાના વીરપર ગામ પાસે આવેલ કામફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યાર બાદ રેડની સામે જ સવાલો ઊભા થયા હતા જેથી એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી અને ત્યાર બાદ ટંકારાના તત્કાલિન પીઆઇ અને એક હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં બંને આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે દરમ્યાન આરોપી હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં બંને વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટ અરજદાર/આરોપીની જામીન અરજીને રદ કરેલ છે.
ગત તા 26/10/2024 ના રોજ ટંકારાના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરીસિંહ સોલંકી જુગારની રેડ કરી હતી અને ત્યાર આરોપીને પકડવામાં આવ્યા હતા 12 લાખની રોકડ તેમજ બે ગાડી મળીને 63.15 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, પીઆઈ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકીએ પોતે રાજ્ય સેવક હોવા છતાં પંચનામા અને ફરિયાદમાં ખોટા તથ્યો બતાવીને બનાવટી દસ્તાવેજી પુરાવા બનાવ્યા હતા અને તે ખોટા દસ્તાવેજી પુરાવા છે તે જાણતા હોવા છતાં કોર્ટમાં મોકલ્યા હતા અને સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. અને આરોપીઓના ફોટા ન આપ્યા, નામ ખોટા આપ્યા, પંચનામામાં ખોટા નામ લખ્યા, જપ્ત કરેલા મોબાઇલ ફોનમાંથી જરૂરી મોબાઇલ ફોન પરત આપી દીધા હતા. આમ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. અને રાજ્ય સેવક હોવા છતાં આરોપીઓ પાસેથી 51 લાખની લાંચ માંગી અને સ્વીકારી હતી
દરમ્યાન અરજદાર/આરોપીના વકીલ બી.વી.ડોડિયાએ એવી દલીલ કરી હતી કે અરજદાર/ આરોપી સંપૂર્ણપણે નિર્દોષ છે. અને જુગારની રેડ પછી આરોપીના ખોટા નામ સહિતના પ્રશ્નો ઊભા થયા હતા જેથી મોરબીના તત્કાલિન એસપીને પહેલા તપાસ સોંપવામાં આવી હતી અને તેઓએ 18 વ્યક્તિઓના નિવેદન લીધેલ હતા જેમાં કોઈએ હાલની ફરિયાદમાં વર્ણવેલ હકીકતો જાહેર કરી ન હતી. ત્યાર બાદ એસએમસીએ તપાસ કરી હતી અને ફરિયાદ નોંધાયેલ છે. જો કે, અરજદારે પૈસાની માંગણી કરી ન હતી અને પૈસા સ્વીકાર્યા નથી. અને ચાર્જશીટ થઈ ગયેલ છે જેથી યોગ્ય શરતો અને નિયમો પર જામીન પર મુક્ત કરવા માટે વિનંતી કરી હતી.
જયારે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ આ જમીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે, કમ્ફર્ટ રિસોર્ટ ખાતે જુગારની રેડ કરી હતી ત્યારે અરજદાર/ આરોપી દ્વારા પંચનામા અને ફરિયાદમાં ખોટા દસ્તાવેજી પુરાવા બનાવ્યા હતા અને સત્તાનો દુરુપયોગ કરીને 51,00,000 ની રકમ માંગી અને ઉઘરાવી હતી. આટલું જ નહીં જુગારને કેસમાં જે રકમ દર્શાવવામાં આવેલ છે તે પણ બહારથી બીજા વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવી હતી. આટલું જ નહીં જુગારનો કેસ કર્યો હતો તેમાં પકડાયેલ આરોપીઓ પૈકીનાં બે આરોપીના જામીન માટેની વ્યવસ્થા પણ અરજદાર/ આરોપી અને સહ-આરોપી પીઆઇ દ્વારા કરી દેવામાં આવી હતી. જેથી અરજદારની અરજી નામંજૂર કરવા વિનંતી કરી હતી.
અરજદાર/આરોપી અને ટંકારાના તત્કાલિન પીઆઇ ગોહિલની મિલીભગતથી ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરીને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપી પાસે સત્તાનો દુરુપયોગ કરીને 51 લાખની રકમ માંગી અને ઉઘરાવી હતી. આ ગુનાની ફરિયાદીમાં અરજદાર/ આરોપીનું નામ છે અને આરોપી પીઆઇ દ્વારા કરવામાં આવેલ ક્વોશિંગ પિટિશન, આગોતરા જામીન અરજી અને રેગ્યુલર જામીન માટેની અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે અને હાલના અરજદાર આરોપી દ્વારા કમ્ફર્ટ રિસોર્ટમાં રેડ દરમ્યાન પકડવામાં આવેલ લોકોની સાથે દુર્વ્યવહાર કરીને વિડીયો સ્થાનિક ન્યૂઝ ચેનલના સમાચારમાં પ્રકાશિત કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી અને પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ ગુનો ખૂબ જ ગંભીર છે અને જો તે સાબિત થાય તો આરોપીને આજીવન કેદની સજા થઈ શકે છે. જેથી વકીલોની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના ડિસ્ટ્રિક્ટ જજ પી.વી. શ્રીવાસ્તવ સાહેબ દ્વારા અરજદાર/ આરોપી મહિપતસિંહ હરિસિંહ સોલંકીની જામીન અરજીને રદ કરવામાં આવેલ છે.
