મોરબીમાં લેખક હરસુખ જીલરીયાના પુસ્તકનું કમિશનરએ કર્યું વિમોચન
તકનો લાભ લેતા વેપારીઓ !: મોરબી જીલ્લામાં સરકારી મંડી ન હોવાથી ખાનગી મંડીમાં ખોટ ખાઈને દાડમનું વેચાણ કરવા ખેડૂતો મજબૂર
SHARE
તકનો લાભ લેતા વેપારીઓ !: મોરબી જીલ્લામાં સરકારી મંડી ન હોવાથી ખાનગી મંડીમાં ખોટ ખાઈને દાડમનું વેચાણ કરવા ખેડૂતો મજબૂર
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઘણા ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં દાડમની ખેતી કરવામાં આવે છે જો કે, તેઓનો પાક તૈયાર થઈ ગયો છે તેવા સમયે બજારમાં દાડમના ભાવ ગગડી ગયા છે જેથી કરીને તેઓને કમાણી તો દૂરની વાત છે ખોટ ખાઈને હાલમાં દાડમનું વેચાણ કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને જો આવી ને આવી પરિસ્થિતી રહે તેઓ ખેડૂતોના 7-12 માંથી નામ નીકળી જશે.
મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને છેલ્લા વર્ષોમાં તેમાં આવક પણ સારી હતી જો કે, ચાલુ વર્ષે વરસાદી આફત, વાતાવરણમાં બદલાવ અને ઘટતા બજાર ભાવને લઈ હવે ખેડૂતો ચિંતાતુર બન્યા છે ગત વર્ષે જે દાડમનો બજાર ભાવ 50થી 90 સુધી મળતો હતો તે દાડમના ભાવમાં આ વર્ષે ધરખમ ઘટાડો થયેલ છે જેથી ખેડૂતોને વિઘે 30 હાજર સુધીનું નુકશાન થાય તેવી શક્યતા છે તેવું ચરાડવાના ખેડૂત બેચારભાઈ કલ્યાણભાઈએ જણાવ્યુ છે. આટલું જ નહીં જો ઝાડ ઉપરથી ઉતારી લેવામાં આવેલ દાડમના ફળને સમયસર માર્કેટમાં પહોચડવામાં ન આવે તો બગડી જાય જેથી તેને ફેંકી દેવા પડે તેવું પણ ઘણી વખત ખેડૂતો સાથે બને છે
મોરબી જિલ્લામાં દાડમની ખેતીની વાત કરીએ તો વાંકાનેર 156, ટંકારા 89, મોરબી 336, માળીયા 71 અને હળવદ 5012 હેક્ટરમાં મળીને કુલ 5664 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં દાડમનું એવરેજ ઉત્પાદન 14.20 ટન પ્રતિ હેક્ટર જોવા મળતું હોય છે. જો કે, આ વર્ષે ખેડૂતોને ખાનગી જે મંડી આવેલ છે ત્યાં દાડમ વેચાણ કરવા માટે જાય તો કિલોનો ભાવ માત્ર 15 થી 20 રૂપિયા જેટલો જ આપવામાં આવે છે જો કે, મહારાષ્ટ્રના દાડમનો ભાવ આજની તારીખે પણ 80 રૂપિયા જેવો મંડીમાં મળે છે તો પછી મોરબીના દાડમને કેમ મફતના ભાવે ખરીદી કરવામાં આવે તેવો સવાલ ચરાડવાના ખેડૂત જયંતીભાઈ વાલજીભાઈએ કર્યો છે.
વધુમાં ખેડૂત નિમેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, હળવદ તાલુકાના રણમલપુર ,માલણીયાદ, સુંદરગઢ, ચરાડવા, ઘનશ્યામપુર, સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા દાડમની ખેતી કરવામાં આવે છે અને પાક લેવા માટે તનતોડ મહેનત કરવામાં આવે છે જો કે, જયારે માલ તૈયાર થઈને બજારમાં મૂકવાનો સમય આવે છે ત્યારે જ દાડમના ભાવ તળિયે બેસી જાય છે. જેથી કરીને ખાનગી મંડીની બદલે જો હળવદ તાલુકામાં દાડમની ખેતી મોટા પ્રમાણમાં થાય છે તો હળવદ યાર્ડમાં દાડમની હરરાજી થાય અને ખેડૂતો ત્યાં પૂરા ભાવ સાથે તેના દાડમ વેંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો જ ખેડૂતો ટકી શકે તેમ છે.
મોરબી જીલ્લામાં ખેડૂતો બાગાયતી ખેતી કરે છે પરંતુ તેનો માલ વેંચવા માટેની કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવેલ નથી જેથી ખેડૂતોને નાછૂટકે ખાનગી મંડીમાં તેનો માલ વેંચવા માટે જવો પડે છે અને જીલ્લામાં હળવદ તાલુકામાં જ 5 હજાર હેક્ટરથી વધુ જમીનમાં દાડમનું વાવેતર કરવામાં આવ છે તો પણ અહીના ખેડૂતો તેનો માલ વેંચી શકે તેના માટેની વ્યવસ્થા નથી જેથી કરીને ખેડૂતોને 6 ખાનગી મંડીઓ આવેલ છે ત્યાં માલ વેંચવા માટે જવું પડે છે અને ખેડૂતોનો માલ લેનારા વેપારીઓ દ્વારા રિંગ કરી લેવામાં આવે છે જેથી ખેડૂતોને પૂરો ભાવ મળતો નથી અને ખોટ ખાઈને પણ માલ વેંચવો પડે છે.
એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે બીજી બાજુ હળવદ સહિત મોરબી જિલ્લાના ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળી રહ્યો નથી જેથી ખેડૂતોનો આવક બમણી થવાની વાત તો દૂર રહી આ જિલ્લાના ખેડૂતો દાડમની બાગાયતી ખેતીમાં ટકી રહે તેના માટેની વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે નહીં તો ખોટ કરીને કેટલા સમય સુધી ખેડૂતો ખેતી કરશે તે સવાલ ઉભો થશે. જો રાજ્ય સરકાર દ્વારા તેમની પાસેથી દાડમની ખરીદી અન્ય જણસની જેમ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેઓ અહીના ખેડૂતોને બાગાયતની ખેતીમાં ટકી રહેવા માટે તે ઑક્સીજન સમાન સાબિત થાય તેમ છે.