મોરબીમાં હરબટીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં નાની વાવડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જિલ્લા કક્ષાના મહોત્સવની ઉજવણી કરાઈ
SHARE







મોરબીમાં નાની વાવડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં જિલ્લા કક્ષાના મહોત્સવની ઉજવણી કરાઈ
મોરબીમાં નાની વાવડી પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૬ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંસદ અને ધારાસભ્ય તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ માનવીની સાથે પશુ, પંખી અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે વૃક્ષ અગત્યના છે તેવું જણાવી વૃક્ષોના મહત્વ અંગે તેમણે વિગતે વાત કરી હતી. પર્યાવરણની જાળવણી માટે તેમણે સૌને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અનુરોધ કર્યો હતો. વધુમાં પર્યાવરણ સંરક્ષણ માટે આપણી ભૂમિકા વિશે પણ તેમણે વાત કરી હતી. તો સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વનરાજી અને આ પર્યાવરણ એ આપણી પ્રાકૃતિક ધરોહર છે, તેની માવજત કરવી એ આપણી સૌની સાહિયારી જવાબદારી છે. જૈવ વિવિધતાને વરેલા આપણા દેશમાં વૃક્ષારોપણનું સવિશેષ મહત્વ છે ત્યારે સૌને એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એક વૃક્ષ વાવવા જણાવ્યું હતું.
જયારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા પર્યાવરણ અને વૃક્ષના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવનારી પેઢી અને ભવિષ્ય માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે ત્યારે આપણા ઘર, શેરી, મહોલ્લામાં જ્યાં પણ ખુલ્લી અને ખાલી જગ્યા મળે ત્યાં એક વૃક્ષ અવશ્ય વાવવા અને તેનું જતન કરવા તેમણે જણાવ્યું હતું. આવી જ રીતે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં આપણે વૃક્ષોનું પૂજન કરીએ છીએ, વૃક્ષો આપણને પરોપકારની ભાવના શીખવે છે, ત્યારે આજની પરિસ્થિતિમાં વધુ ને વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તે જરૂરી છે. ટકાઉ વિકાસ અને સુદૃઢ જીવનશૈલી માટે વૃક્ષ ખૂબ મહત્વના છે તેવું તેમણે જણાવ્યું હતું.
વન મહોત્સવની ઉજવણી અંતર્ગત સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું તથા લીલી ઝંડી બતાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. વન સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરેલ વન કર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર કે.બી. ઝવેરી, સામાજિક વનીકરણ રાજકોટ વર્તુળના વન સંરક્ષક સેંથિલ કુમારન, મોરબી જિલ્લા વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયતના સભય રાકેશભાઈ કાવર સહિતના અગ્રણીઓ હજાર રહ્યા હતા.
