મોરબીના જોધપર ગામ પાસે બની રહેલ નમો વન નું નામ ન બદલાઈ તો સીએમની હાજરીમાં વિરોધ કરવાની કોંગ્રેસની ચીમકી
SHARE







મોરબીના જોધપર ગામ પાસે બની રહેલ નમો વન નું નામ ન બદલાઈ તો સીએમની હાજરીમાં વિરોધ કરવાની કોંગ્રેસની ચીમકી
મોરબીના જોધપર ગામ પાસે નમો વન આકાર લઈ રહ્યું છે. જેને લઈને અત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે કેમકે ગાયોના રખરખાવ માટે રજવાડાએ આપેલ જમીન ઉપર વૃક્ષારોપણ કરીને વન બનાવવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ તેના નામકરણ સામે કોંગ્રેસને વાંધો લઈને આ જગ્યાને રજવાડાના નામ સાથે જોડીને નામ આપવામાં આવ્યા અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબીના રાજવી પરિવાર દ્વારા પાંજરાપોળની ગાયોના રખરખાવ અને નિભાવ માટે થઈને કુલ મળીને 2300 વીઘા જેટલી જમીન પાંજરાપોળ ટ્રસ્ટને આપવામાં આવી હતી જે પૈકીની 1100 વીઘા જેટલી જમીન મકાનસર પાસે આવેલ છે અને 1200 વીઘા જેટલી જમીન મોરબી તાલુકાના જોધપર ગામ પાસે નજીક આવેલ છે અને આ 1200 વીઘા જમીન ઉપર હાલમાં વૃક્ષારોપણ ચાલી રહ્યું છે અને દરમિયાન થોડા સમય પહેલા ત્યાં યોજાયેલ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ જગ્યાને નમો વન નામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી 17 મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને તેઓની હાજરીમાં નમો વન દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ચ્યુઅલ અર્પણ કરવામાં આવનાર છે.
ત્યારે પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે અને આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેને કહ્યું હતું કે વર્ષો પહેલા રજવાડાએ ગાયો માટે જે જમીન આપી હતી ત્યાં વૃક્ષારોપણ કરીને વન બનાવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ ત્યાં જે નામકરણ આપવાની વાત ચાલી રહી છે તેની સામે વાંધો છે અને તે જગ્યા ઉપર જે વન બને તેને રજવાડાનું નામ આપે અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપે તેવી માંગ કરવામાં આવી છે અને જો કોંગ્રેસની માંગણીને ધ્યાનમાં રાખીને નામકરણમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં જ્યારે કાર્યક્રમ હશે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉતારી છે આ તકે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કાલરિયા સહિતના હાજર રહ્યા હતા.
