મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત
SHARE







મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત
મોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે આધેડનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા રાજકુમાર રાજારામ વર્મા (52) નામના આધેડ ગત તા. 13/9 ના રોજ લાલપર નજીક આવેલ ઓનેસ્ટ હોટલ સામે હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
એક જ પરિવારના 6 લોકો સારવારમાં
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ (40), તેના પત્ની હેમાબેન સુરેશભાઈ રાઠોડ (36), બીકુબેન સુરેશભાઈ રાઠોડ (18), નેહલબેન સુરેશભાઈ રાઠોડ (16), સિધ્ધરાજ સુરેશભાઈ રાઠોડ (10) અને પ્રિયાંશી સુરેશભાઈ રાઠોડ (3) નામના એક જ પરિવારના છ વ્યક્તિઓને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્પ્રે છાંટી દીધો હતો જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા રામભાઈ જીવાભાઇ ડાંગર (51) નામના આધેડ ચાચાપર રામેશ્વર ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને કૂતરું આડુ આવતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી મોરબીમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
