મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારા ઝૂલતા પુલ દુર્ઘટનાથી પણ વધુ પાનનું વજેપર 602 જમીન કૌભાંડ ચાર્જશીટ !: હવે કોણ બનશે આરોપી તે પ્રશ્નાર્થ
SHARE







મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારા ઝૂલતા પુલ દુર્ઘટનાથી પણ વધુ પાનનું વજેપર 602 જમીન કૌભાંડ ચાર્જશીટ !: હવે કોણ બનશે આરોપી તે પ્રશ્નાર્થ
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વજેપર 602 જમીન કૌભાંડ ચર્ચાનો વિષય છે અને આ કૌભાંડની અંદર કોણ કોણ સંડોવાયેલા છે ? તે પ્રશ્ન હજુ આજની તારીખે પણ ઊભો છે તેવામાં અત્યાર સુધીમાં સીઆઇડીની ટીમ દ્વારા સરપંચ, પત્રકાર અને બે મહિલા સહિત કુલ મળીને છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.જે પૈકીના વૃદ્ધ મહિલા આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. જોકે, બાકીના પાંચ આરોપીઓ આજની તારીખે પણ મોરબીની સબ જેલમાં છે દરમિયાન તપાસની અધિકારી દ્વારા મોરબીની કોર્ટમાં આ ગુનામાં પકડાયેલા કુલ છ આરોપીઓ સામે ચાર્જશીટ મુકવામાં આવ્યું છે. જોકે, મોરબી સહિત દેશ-વિદેશમાં ગુંજેલ મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં 1262 પાનાની ચાર્જશીટ હતી.પરંતુ આ જમીન કૌભાંડમાં સીઆઇડીની ટીમ દ્વારા 2040 કરતા વધુ પાનાની ચાર્જશીટ કરેલ છે. ! અને હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનાએ ન માત્ર મોરબી પરંતુ રાજ્ય અને દેશને હચમચાવી નાખ્યો હતો કારણ કે આ દુર્ઘટનાની અંદર નાના બાળકો, સગર્ભા મહિલાઓ, યુવક-યુવતીઓ, વૃદ્ધ સહિત કુલ મળીને 135 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે ક્રમશઃ પોલીસ દ્વારા જયસુખભાઈ પટેલ સહિતના આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે તમામ આરોપીઓ હાલમાં જામીનમુક્ત થઈ ગયા છે જોકે, દેશ અને દુનિયામાં જે ઘટના ચર્ચા હતી તેમાં તપાસનીસ અધિકારી દ્વારા 1262 પાનાનું ચાર્જશીટ મોરબીની કોર્ટમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ મોરબી શહેરથી લઈને ગાંધીનગર સુધી ગુંજતું વજેપર 602 જમીન કૌભાંડ કે જેની તપાસ હાલમાં સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.તેઓએ તાજેતરમાં આ જમીન કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે અને 2040 કરતાં વધુ પાનાની ચાર્જશીટ મોરબીની કોર્ટમાં કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે
વધુમાં મળતી વિગત પ્રમાણે આ ગુનામાં અત્યાર સુધીમાં સીઆઇડીની ટીમ દ્વારા શાંતાબેન પરમાર, સાગર ફૂલતરીયા, સાગર સાવધાર, હેતલબેન ભોરણીયા, ભરતભાઈ દેગામા અને અતુલ જોશીની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકીના શાંતાબેન પરમારની ઉંમરને ધ્યાનમાં રાખીને તેઓને હાઇકોર્ટમાંથી જામીન મુક્ત કરવામાં આવ્યા છે જોકે, સરપંચ સાગર ફુલતરીયા અને પત્રકાર અતુલ જોશી સહિતના પાંચેય આરોપીઓ આજની તારીખે પણ મોરબીની સબજેલમાં છે દરમિયાન સીઆઇડીની ટીમ દ્વારા જે ચાર્જશીટ મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે તેમાં અત્યાર સુધી પકડાયેલ આરોપીઓના રોલ વિશેની સ્પષ્ટતા કરવામાં આવી છે જે આરોપીઓ પકડાયા છે તેમની પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ, પ્રિન્ટર, દસ્તાવેજી પુરાવા વગેરે જે કોઈ આધાર પુરાવાઓને ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે તેની માહિતી મૂકવામાં આવી છે
મોરબી સહિત ગુજરાત માટે ચકચારી આ જમીન કૌભાંડમાં જમીનના મૂળ માલિકની જાણ બહાર શાંતાબેન પરમારનું નામ જમીનમાં વારસદાર તરીકે રેવન્યુ રેકોર્ડ ઉપર ચડાવવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ તે જમીનનું સાગર ફૂલતરિયાને વેચાણ કર્યું હતું. જેનો દસ્તાવેજ બની ગયેલ છે અને ત્યાર બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયા બાદ આ કૌભાંડની તપાસ પ્રથમ સ્થાનિક પીઆઇ બાદ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી હતી અને ત્યાર પછી તપાસ સીઆઇડીના ડીવાયએસપી આર.એસ.પટેલને સોંપવામાં આવી છે અત્યાર સુધીમાં જ્યારે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ પત્રકાર પરિષદમાં જે તે સમયે પકડાયેલા આરોપીઓની ભૂમિકા વિશે વાત કરી હતી.તે જ પ્રમાણેનો ઉલ્લેખ હાલમાં કોર્ટની અંદર મૂકવામાં આવેલ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે અને ફરિયાદી ખેડૂતની જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને આ જમીન કૌભાંડ કર્યું હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં એવું પણ જાણવા મળી ગયું છે કે, હાલમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે તે પૈકીના ભરત દેગામાએ ફરિયાદીને આ જમીન કૌભાંડ વિશે માહિતી આપી હોવાથી તેના દ્વારા અરજીઓ કરેલ હોવાની શંકા વહેમ રાખીને સગાર ફૂલતરિયા, સાગર સાવધાર અને અતુલ જોશીએ મળીને ભરત દેગામને સાગર ફૂલતરિયાની સ્કોર્પિઓ ગાડીમાં ટંકારા તરફ એક ફેક્ટરીમાં લઈ જઈને ત્યાં લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો જેથી ભરત દેગામને માથાના ભાગે ઇજા થતાં તેને ગાડીમાં નાખીને પરત મોરબી સારવાર માટે લઈ આવ્યા હતા ત્યારે મોરબીની શ્રી હરિ હોસ્પિટલમાં ડો. ગમઢા સાગર દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી જેના તમામ પુરાવાઓ સીઆઇડીની ટીમ દ્વારા કબ્જે લેવામાં આવ્યા છે.જોકે આ ચકચારી કેસમાં હજુ સુધી સરકારી અધિકારીની ધરપકડ ન થઈ હોવાના કારણે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે અને બીજી બાજુ એવી પણ ચર્ચા ચાલે છે કે આજ દિવસ સુધી મોરબી નહીં પરંતુ ગુજરાતમાં ન થઈ હોય તેવી કાર્યવાહી આ કેસમાં થવાની છે.ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં આરોપી તરીકે હજુ કોના કોના નામ આ ચકચારી જમીન કૌભાંડમાં જોડાય છે.
