મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે આજે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ સહિતની બ્રહ્મ સમાજની સંસ્થાઓ દ્વારા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો સહ પરિવાર હાજર રહ્યા હતા અને મંત્રીનું પાઘડી પહેરાવીને, તલવાર આપીને અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આજથી ગુજરાતીઓના નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ દિવસે જ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ કામ ખાતે ભૂદેવ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ તથા મોરબી પરશુરામ ધામ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની સાથો સાથ મોરબી માળિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓના સન્માનનું પણ આયોજન બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ તકે બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પાઘડી પહેરાવીને, તલવાર આપીને તેમજ શાલ ઓઢાડીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારે છેલ્લા વર્ષોમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા પરશુરામ ધામ મંદિર તેમજ બ્રહ્મ સમાજ માટે કરેલા કામોને બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા યાદ કરવામાં આવ્યા હતા તો રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કહ્યું હતું કે, 1995 માં પહેલી વખત જ્યારે ચૂંટણી લડ્યો અને ધારાસભ્ય બન્યો ત્યારે બ્રહ્મ સમાજ મારી આગળ ચાલતો હતો, 2022 માં ધારાસભ્ય ન હતો ત્યારે પણ બ્રહ્મ સમાજ મારી આગળ ચાલ્યો હતો આમ ડગલેને પગલે બ્રહ્મ સમાજનો ખૂબ સહકાર મળ્યો છે અને આગામી સમયમાં બ્રહ્મ સમાજ સહિત દરેક સમાજ અને લોક ઉપયોગી કામ ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતમાં તેઓના માધ્યમથી થશે તેવી ખાતરી તેઓ દ્વારા આપવામાં આવી હતી.