મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા
મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે
SHARE
મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે
મોરબી મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલા જુદાજુદા વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને હવે ચોમાસાએ વિદાય લીધેલ છે ત્યારે ફરી પછી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવા માટેની તૈયારીઓ મહાપાલિકા દ્વારા કરી લેવામાં આવેલ છે અને અગાઉ માર્ગ અને મકાન વિભાગમાં આવતા હતા તે 10 માર્ગોને મહાપાલિકામાં સમાવિષ્ટ કરાયેલ છે જેથી તે પૈકી 6 માર્ગોને ‘લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ તરીકે જાહેર કરાયેલ છે અને તે પૈકીનાં પંચાસર રોડ અને શનાળા-ખાનપર રોડ પરના દબાણો હટાવવાની કામગીરી માટેની તૈયારીઓ મહાપાલિકાની ટી.પી. શાખા દ્વારા શરૂ કરવામાં આવશે.
મોરબીના પંચાસર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 18 મીટર કરવામાં આવશે. અને આ રોડ ઉપર જે કોઈપણ દબાણ હશે તેને તોડી પાડવામાં આવશે. આવી જ રીતે શનાળા-ખાનપર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 24 મીટર કરવામાં આવશે. આ બંને રસ્તાની પહોળાઈ વધારવાથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટેની ટી.પી. શાખા દ્વારા દબાણો હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત અઠવાડિયામાં ટી.પી. શાખાએ ‘ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA)’ હેઠળ કુલ 6 કેસની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 22 ગૃડાના કેસ રેગ્યુલરાઇઝ્ડ થઈ ચૂક્યા છે. તેમજ વિકાસ પરવાનગીની વાત કરીએ તો ટીપી શાખા દ્વારા વધુ 4 ફાઈલો મંજૂર કરવામાં આવી છે. અને આવનારા સમયમાં બાકી રહેલા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.









