ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ
SHARE
ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ
ટંકારામાં કલેક્ટરની સૂચના પછી પણ જમીનની માપણી કરાવેલ ન હતી અને રેવન્યુ રેકર્ડમાં કોઈ ફેરફાર નોંધ થયેલ ન હતી. તેમ છતાં જમીન અઘાટ વેચાણ આપેલ હતી. અને દસ્તાવેજમાં સાથણીમાં મળેલ જમીનના રોજકામમાં દર્શાવેલ ચતુરદીશાથી વિરૂધ્ધ પ્રકારની ચતુરદીશા દર્શાવેલ હતી જેથી કરીને વાંધા અરજી કરી હતી જે તકરાર કેસ નાયબ કલેકટર સમક્ષ ચાલી જતાં નાયબ કલેકટરે નોંધ રદ (ના મંજુર) કરવાનો હુકમ કરેલ છે.
ટંકારાના સર્વે નંબર ૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમથી બીજલભાઈ વીરાભાઈને સાંથણીમાં મળેલ હતી. હાલ આ જમીન તેમના વારસદારોના ખાતે છે પરંતુ આ જમીનની તેમના વારસદારોએ માપણી કરાવેલ ન હોઈ તેથી આ જમીનની માપણી કરી લેવા અને માપણી મુજબ જે ક્ષેત્રફળ થાય તે પ્રમાણે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવા અંગે કલેકટરે મામલતદારને સુચના આપેલ હતી. પરંતુ તે મુજબની માપણી કરાવેલ ન હોય કે તે અંગેની રેવન્યુ રેકર્ડમાં કોઈ ફેરફાર નોંધ થયેલ ન હોય તેમ છતા સ્વ.બીજલભાઈ વીરાભાઈના વારસદારો નાગજીભાઈ બીજલભાઈ જાદવ, ભાવનાબેન બીજલભાઈ જાદવ તથા હિતેશભાઈ બીજલભાઈ જાદવએ તા.૧૮-૭-૨૦૨૫ ના રોજ રજી.દ.અનુ.નં. ૧૮૫૯/૨૦૨૫ ના દસ્તાવેજથી હિરેનકુમાર હરજીભાઈ સાવરીયા તથા પ્રવિણભાઈ દેવશીભાઈ બારૈયાને અઘાટ વેચાણ આપેલ હતી.
આ દસ્તાવેજમાં સાથણીમાં મળેલ જમીનના રોજકામમાં દર્શાવેલ ચતુરદીશાથી વિરૂધ્ધ પ્રકારની ચતુરદીશા દર્શાવેલ હોય તેમ છતાં રેવન્યુ રેકર્ડમાં ગામ નમુના નંબર-૬ ના હકક પત્રકમાં નોંધ નંબર-૧૧૪૧૫ થી નોંધ પાડેલ છે જેમા ભુપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરીયાએ વાંધા અરજી રજુ કરતા આ નોંધ તકરારી નોંધ તરીકે મોરબીના નાયબ કલેકટર સુશીલ પરમાર સમક્ષ તકરાર ચાલતા વાંધેદાર ભુપેન્દ્રભાઈના વિદ્વાન વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક દ્રારા કરવામાં આવેલ દલીલોને ગ્રાહય રાખીને નાયબ કલેકટર સુશીલ પરમારે આ નોંધ રદ (ના મંજુર) કરવાનો હુકમ કરેલ છે. અને વાંધેદાર ભુપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દુબરિયા તરફેથી મોરબીના જાણીતા વિદ્વવાન વકીલ નિકુંજભાઈ કોટક, તથા તેમના જુનીયર એડવોકેટસ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ચાવડા, સંજયભાઈ ભાગીયા તથા કિશોરભાઈ સુરેલા રોકાયેલ હતા.