મોરબીનાં સરદારબાગ સામે કાર ચાલુ કરવા જતા કાર ત્યાં બેઠેલ યુવાન ઉપર ચડી જતા ઈજાગ્રસ્ત રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીનાં સરદારબાગ સામે કાર હડફેટે યુવાનને ઈજા
મોરબીના શનાળા રોડ, સરદાર બાગ પાસે રહેતા અને ત્યાંજ કામકાજ કરતા સંગ્રામભાઈ નરશીભાઈ વાજેલીયા (ઉ.40) નામના દેવીપુજક યુવાન પર કાર ચડી જતા તેને મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
બનાવ અંગે પોલીસે તેના સાળાની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે પોતે તેમજ તેના બહેન અને બનેવી સંગ્રામ વાજેલીયા શનાળા રોડ, સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ પાસે ઓમ શાંતિ સ્કુલની સામે બેઠા હતા ત્યારે તા.29-10ના સાંજે સાતેક વાગ્યે એક અજાણ્યા કાર વાળાએ તેની કાર ચાલુ કરવા જતા કારનો કાબુ રહ્યો ન હતો અને કાર સંગ્રામ ઉપર ચડી ગઈ હોય તેને માથા-પગે ઈજા થતા રાજકોટ સારવારમાં લઈ જવાયેલ છે.પોલીસ સ્ટાફના ડી.આર. ઝાલાએ આગળની તપાસ શરૂ કરી છે. જયારે મોરબીના રાજપર ગામે રહેતો દશરથ કિશોરભાઈ નામનો 35 વર્ષનો યુવાન રાજપર રોડ સદગુરૂ કંપની પાસેથી પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટ લેતા દશરથભાઈને સિવિલે ખસેડાયા હતા.
મારામારીમાં ઈજા
મોરબીના ખારચીયા ગામે થયેલી મારામારીમાં ઈજા થતા સુરેશ વેસ્તાભાઈ મંડલોઈ (23) રાજેશ દિલીપભાઈ મંડલોઈ (19) સંજય હુકમભાઈ મંડલોઈ (21) અને દિપસિંહ હુકમભાઈ મંડલોઈ (10) રહે. બધા ખારચીયા મોરબીને સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે રંગપર (બેલા) ગામે થયેલ મારામારીમાં ઈજા થતા ત્યાં રહેતા કનકબેન જયેશભાઈ આચાર્ય (65) ને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. જયારે બેલા પાસેના પવનસુત સીરામીક નજીક બાઈક સ્લીપ થઈ જતા ભગવાનભાઈ સજનસિંગ નામના 38 વર્ષના યુવાનને શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
મહિલા સારવારમાં
વાંકાનેરના પલાસ ગામે પાદરમાં બાઈક સ્લીપ થઈ જતા ત્યાં રહેતા સાહેદાબેન અસ્લમભાઈ વકાલીયા (30)ને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લવાયા હતા. તેમજ માળીયા (મીં) ખાતે રહેતા નઝમાબેન વિરમભાઈ કટીયા નામની 16 વર્ષની સગીરાને જમણા પગના તળીયે કંઈક કરડી જતા સિવિલે લાવવામાં આવી હતી. તેમજ વાંકાનેરના સરધારકા ગામે જયદેવસિંહની વાડીએ સાપ કરડી જતા ત્યાં કામ કરતા મનિષ વિક્રમભાઈ મેડા (22)ને અત્રેની સિવિલે ખસેડાયો હતો.
વૃધ્ધા સારવારમાં
માળીયા (મીં)ના હરીપર ગામે બાઈક સ્લીપ થઈ જતા ત્યાં રહેતા ચંપાબેન ભીખાભાઈ સનુરા (56)ને અહીંની ઓમ ઓર્થો. હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. તેમજ હળવદના સરંભડા ગામે બાઈકમાંથી પડી જતા હરી જગદીશભાઈ નામના સાત વર્ષના બાળકને અને હળવદના ઘનશ્યામપુર ગામે બાઈક સ્લીપ થઈ જતા રણછોડભાઈ સવજીભાઈ સોનગ્રા (47)ને ઓમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ હળવદના માથક ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા સુરેન્દ્રનગરના નરાળી ગામના બબાભાઈ ધૂડાભાઈ કોળી (61)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.