માળીયા (મી)ના મોટાભેલા અને ભાવપર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
માળીયા (મી)ના મોટાભેલા અને ભાવપર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા અને ભાવપર ગામ વચ્ચે ગાય માતાના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થયેલા યુવાનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નીવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જે અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ભાનુબેન કારાભાઈ મુછડીયા (60)એ હાલમાં તેના મૃતક દીકરા કિશોરભાઈ કારાભાઈ મૂછડિયા રહે. સરવડ વાળાની સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે, માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામથી ભાવપર ગામ વચ્ચે ગાય માતાના મંદિર પાસેથી તેનો દીકરો કિશોરભાઈ કારાભાઈ મુછડીયા (35) પોતે પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 9653 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને તે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના માતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
બાઈક ચોરી
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ભક્તિનગર પ્લોટ નંબર 16 ખાતે રહેતા કાંતિલાલ મહાદેવભાઇ ધુમલિયા (51)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીકના ગ્રાઉન્ડમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 9581 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.