જો મોરબી પાલિકાના નંદીઘરમાં ખોદકામ કરવામાં આવે તો અનેક નંદીઓના અવશેસ નીકળે, ગૌવંશોના મોક્ષર્થે કોંગ્રેસે કર્યો શાંતિ યજ્ઞ: કિશોરભાઇ ચિખલિયા
SHARE
જો મોરબી પાલિકાના નંદીઘરમાં ખોદકામ કરવામાં આવે તો અનેક નંદીઓના અવશેસ નીકળે, ગૌવંશોના મોક્ષર્થે કોંગ્રેસે કર્યો શાંતિ યજ્ઞ: કિશોરભાઇ ચિખલિયા
મોરબીના પંચાસર ઉપર નગરપાલિકા દ્વારા અગાઉ નંદીઘર બનાવવામાં આવ્યું હતું તે નંદીઘરમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ સાથે અનેક વખત કોંગ્રેસ દ્વારા પાલિકામાંથી નંદીઘરમાં કરવામાં આવેલા ખર્ચ સહિતની વિગતો માંગવામાં આવી હતી તો પણ સંતોષકારક જવાબ પાલિકા કે મહાકાલિકા તરફથી આપવામાં આવ્યો નથી અને જે તે સમયે લંપી વાયરસ આવવાના કારણે નંદીઘરમાં અનેક નંદીઓના અવસાન થયા હતા અને ત્યાર બાદ ત્યાં જ ખાડા ખોદીને નંદીઓને દફનાવી દેવામાં આવ્યા હતા જેથી આજે આ નંદીઓના આત્માની શાંતિ માટે થઈને કોંગ્રેસ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
મોરબીના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવાનું કહીને જ્યારે મોરબી નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે પંચાસર રોડ ઉપર પાલિકાની જગ્યામાં નંદીઘર બનાવવામાં આવ્યું હતું. જોકે આ નંદીઘરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને જે તે સમયે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા નગરપાલિકા અને ત્યારબાદ મહાનગરપાલિકામાંથી નંદીઘરમાં થયેલા ભ્રષ્ટાચારની વિગતો માંગવામાં આવી હતી પરંતુ આજ સુધી તેઓને સંતોષકારક વિગતો આપવામાં આવેલ નથી.
આટલું જ નહીં પરંતુ આ નંદીઘરમાં જે ગૌવંશોને રાખવામાં આવ્યા હતા તેમાંથી લંપી વાયરસ વખતે અસંખ્ય ગૌવંશોના મોત નિપજ્યા હતા જેની કોઈ પણ માહિતી જાહેર કર્યા વગર ત્યાં જ નંદીઘરમાં ખાડા ખોદીને તે મૃત ગૌવંશોને દફનાવી દેવામાં આવ્યા હતા જેથી કરીને આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજન, જીલ્લાના મહામંત્રી અમુભાઇ હુંબલ, અલ્પેશભાઇ કોઠીયા, દિનેશભાઇ સેરસીયા, વસીમભાઇ મનસુરી, લલીતભાઇ કાસુન્દ્રા સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં ગૌવંશોની આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞ યોજાયો હતો.
આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ જણાવ્યુ હતુ કે, જે જગ્યાએ મૃત ગૌવંશોને દફનાવવામાં આવ્યા છે ત્યાં જો ખોદકામ કરવામાં આવે તો અનેક ગૌવંશોના અવશેષ મળે તેમ છે જેથી નંદી ઘરમાં ભ્રષ્ટાચાર કરનાર અને અનેક ગૌવંશોને દફનાવી દેનાર જે તે સમયના પાલિકાના શાસકો સામે આકરા પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ત્યાં ખોદકામ કરીને ગૌવંશના અવશેષોને બહાર કાઢવામાં આવશે.