મોરબીના શક્તિ ચોક નજીક શરીરે જવલનશીલ પદાર્થ છાંટી કાંડી ચાપી લેનાર વૃદ્ધનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત
SHARE
મોરબીના શક્તિ ચોક નજીક શરીરે જવલનશીલ પદાર્થ છાંટી કાંડી ચાપી લેનાર વૃદ્ધનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર શક્તિ ચોક પાસે આવેલ વિસ્તારમાં રહેતા વૃધ્ધે ગત રાત્રીના તેઓના ઘરે જવલનશીલ પદાર્થ છાંટી લીધો હતો અને બાદમાં કાંડી ચાંપી લેતા અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જોકે અત્રે પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજેલ હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ શક્તિ ચોક પાસે ફુલગલી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ ઈબ્રાહીમભાઇ ગોપલાણી નામના ૫૮ વર્ષના વૃદ્ધે ગઈકાલે રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે જાતે કોઈ જવલનશીલ પદાર્થ છાંટ્યો હતો અને બાદમાં આગ ચાંપી લીધી હતી. જેથી તેઓ દાજી ગયેલા હોય તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે વધુ દાઝી ગયા હોય પ્રાથમિક સારવાર આપીને તેમને રાજકોટ ખાતે લઇ જવામાં આવ્યા હતા.ત્યાં રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન યુસુફભાઈ ગોપલાણીનું મોત થયેલ છે.જેથી રાજકોટ પોલીસ દ્વારા મોરબી પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા હાલ આ બાબતે નોંધ કરી બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
સુરેન્દ્રનગરના થાન પાસેના ખાખરાવડ ગામે રહેતા જયપાલભાઇ રાણાભાઇ નામનો ૨૮ વર્ષનો યુવાન ખેતરે દવા છાંટતો હતો ત્યારે દવાની અસર થઈ હોય તેને અહિંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસસુત્રો દ્વારા જણાવા મળેલ છે.જ્યારે હળવદના રેલ્વે સ્ટેશન પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ધર્મેન્દ્રભાઈ સરવણભાઈ (ઉંમર ૩૦) તેમજ જસરાજ ઠાકુર રહે.હડવદને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા પુરીબેન મનસુખભાઈ સોનગ્રા નામના ૪૯ વર્ષના મહિલા બાઇકમાં બેસીને ગામમાંથી જતા હતા ત્યાં રસ્તામાં પડી ગયા હોય ઇજા પામતા તેઓને પણ અત્રે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સગીરા સારવારમાં
ટંકારાના ઘુનડા (સજનપર) ગામે મગનભાઈની વાડીએ મગફળી વીણતા સમયે ઝેરી દવાની અસર થતા વર્ષાબેન અમરશીભાઈ બામણીયા નામની ૧૫ વર્ષની સગીરાને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી જે અંગે સ્થાનીક પોલીસને નોંધ કરીને ટંકારા પોલીસને જાણ કરી હતી. તેમજ મોરબીના વાંકાનેર હાઈવે જાંબુડીયા ગામ પાસે આગળ જતા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ટુ-વ્હિલર સ્લીપ થઈ ગયું હોય અજય બહાદુરભાઈ કુંઢીયા (૨૫) રહે.જુના મકનસરને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી હળવદ હાઇવે ઉપર ઘુંટુ ગામ પાસેની હરિઓમ સોસાયટી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ રાહુલ ઇમરતભાઇ એરવત (૨૨) રહે.મેગાસિટી સિરામિક લેબર કવાટરને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારાના સાવડી ગામે જયનગર વિસ્તારમાં રહેતા જમનાબેન ભાણાભાઈ સાણંદિયા નામના ૫૭ વર્ષના વૃદ્ધાને ઘરે મારામારીમાં ઈજા થયેલ હોય તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ અમદાવાદ હાઈવે ઉપર વિરમગામ નજીકના કચોલીયા ગામ પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દલપતભાઈ સુરાભાઈ ખાખરીયા (૩૯) રહે.રાજગઢ હરીપર ધાંગધ્રાને સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ આદિવાસી નામના ૩૦ વર્ષના યુવાનને અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવમાં ઇજા થયેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ સ્થાનીક પોલીસસુત્રોએ જણાવેલ છે.