ઘર કંકાસમાં ભોગ લેવાયો: મોરબીના નજરબાગ પાસે ટ્રેનના પાટા ઉપર માથું મૂકી યુવાને જિંદગીનું અંત આણ્યો
SHARE
ઘર કંકાસમાં ભોગ લેવાયો: મોરબીના નજરબાગ પાસે ટ્રેનના પાટા ઉપર માથું મૂકી યુવાને જિંદગીનું અંત આણ્યો
મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે ગતરાત્રિના યુવાને પસાર થતી ટ્રેનના રેલ્વે ટ્રેક ઉપર માથું મૂકી દીધું હતું અને જિંદગીનો અંત આણવાના ઇરાદે ભરેલા પગલામાં ગંભીરપણે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત નિપજયુ હતુ.હાલ પ્રાથમિક માહિતી મુજબ પારિવારિક કલેશમાં યુવાને જિંદગીનો અંત આણ્યો હોય તેવું સામે આવ્યું છે.આ બાબતે પોલીસ દ્વારા એડી નોંધ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રો તથા તપાસ અધિકારી એ.એમ.જાપડીયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે ક્રોસિંગ પાસે ગતરાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં પસાર થતી ગાંધીધામ-બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે રેલ્વે ટ્રેક ઉપર અચાનક એક યુવાન દોડીને આવ્યો હતો અને પાટા ઉપર માથું મૂકી દીધું હતું.જોકે ટ્રેનના ડ્રાઇવરે ટ્રેનને અટકાવવા કોશિશ કરવા છતાં ટ્રેન યુવાન સાથે અથડાઈ હતી અને આ બનાવમાં ગંભીરપણે ઇજા પામેલ યુવાનનું મોત થવાથી તેના ડેડબોડીને અત્રે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યુ હતુ.બાદમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા મૃતક યુવાનની પાસેથી મળી આવેલા આધારકાર્ડ મુજબ તેનું નામ સુધીરભાઈ પ્રધાન (ઉમર ૨૯) મૂળ રહે.ઓડિશા હાલ નાઈસ સીરામીક પાસે લાલપર તા.જી.મોરબી હોવાનું સામે આવ્યું છે અને પ્રાથમિક તપાસમાં કોઈ પારિવારિક કલેશના લીધે યુવાને અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે.બનાવ સંદર્ભે આગળની તપાસ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઈજા
મોરબીના વાઘપરા શેરી નંબર-૨ ખાતે ઘરે મારામારીના બનાવમાં ઈજા પામેલ જ્યોતિબેન અરવિંદભાઈ હડિયલ નામની ૨૮ વર્ષીય મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની ક્રિષ્ના સ્કૂલ સામે ધર્મવિજય સોસાયટી પાસે બાઈકમાંથી પડી જતા હેમીબેન ટપુભાઈ કાસુન્દ્રા (ઉમર ૮૦) રહે.સરદારનગર રોડ અર્પણ પાર્કને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શનાળા ગામે શક્તિમાઁના મંદિર પાસે મારામારીના બનાવમાં સોનલબેન દલુભાઈ ડાભી નામના ૫૦ વર્ષના આધેડ મહિલાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી લીલાપર રોડ બોરીયા પાટી વિસ્તારમાં રહેતા રમણીકભાઈ પ્રભુભાઈ પરમાર નામનો ત્રીસ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યાં રસ્તામાં વાહન સ્લીપ થઇ જતા ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને મોરબીના કાલિકા પ્લોટ પરસોતમ ચોક પાસે બાઈક પાછળથી પડી જતા સુશીલાબેન બાબુભાઈ કારીયા (૮૦) રહે.પૃથ્વીરાજ પ્લોટ નારાયણી રેસિડેન્સીને ઇજાગ્રસ્ત હાલતમાં ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા