મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત
SHARE
મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત
મોરબીથી પોતાના વતનમાં મતદાર યાદી સુધારણા માટેનું ફોર્મ ભરવા માટે મહિલા તેના ભાણેજ સાથે એક્ટિવામાં જઇ રહી હતી ત્યારે હળવદના જુના ધનાળા ગામે રેલવે ફાટક નજીકથી ડબલ સવારી એકટીવાને ડમ્પરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભાણેજ સાથે એકટીવા ઉપર બેસીને જઇ રહેલા માસીને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ હળવદ તાલુકાના ખોડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામે લવજીભાઈ પટેલના ભેંસના તબેલામાં રહેતા ઝાલાભાઇ મેરાભાઈ પરસાડીયા (65) એ ડમ્પર નંબર જીજે 36 એક્સ 2123 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જુના ધનાળા ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી ફરિયાદીનો ભાણેજ હરેશભાઈ રમણીકલાલ કોઠારી એક્ટિવા નંબર જીજે 36 એએચ 0335 લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેના એકટીવામાં તેની સાથે ફરિયાદીના પત્ની ગંગાબેન ઝાલાભાઇ પરસાડીયા (52) પણ બેઠેલા હતા દરમ્યાન ડમ્પર ચાલકે તેઓના એક્ટિવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીના પત્ની ગંગાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતકના પતિએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મૃતક મહિલાના દીકરા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, તેઓના માતા હાલમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેનું ફોર્મ ભરવા સહિતની કામગીરી માટે મોરબીથી તેના માસીના દીકરા સાથે બાઈકમાં બેસીને ખોડ ગામ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ડમ્પર ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો. જેમાં તેની માતાનું મોત નીપજયું છે.