મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન
મોરબીમાં નવું ફાયર સ્ટેશન બનાવ માટે ભારતનગરમાં દબાણકારોને નોટિસ ફટકારતાં દોડધામ
SHARE
મોરબીમાં નવું ફાયર સ્ટેશન બનાવ માટે ભારતનગરમાં દબાણકારોને નોટિસ ફટકારતાં દોડધામ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભારતનગર પાસે નવું ફાયર સ્ટેશન બનાવવાનું છે તે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યા છે જેથી દબાણ દૂર કરવા માટે થઈને મહાપાલિકાની ટીમ દ્વારા ત્રણ દિવસની મુદત સાથે દબાણ કરનારા લોકોને નોટિસ આપવામાં આવી હતી જેથી સ્થાનિક લોકો મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને ત્યાં તેઓએ કમિશનરને સમય આપવા માટેની રજૂઆત કરી હતી જેથી કમિશનરે કુલ 10 દિવસમાં દબાણ દૂર કરવા માટેનો સમય આપેલ છે ત્યાં સુધીમાં લોકો સ્વેચ્છાએ દબાણ દૂર કરશે તો ઠીક નહીં તો સરકારી બુલડોઝર દોડાવીને તમામ દબાણોને તોડી પાડવામાં આવશે.
મોરબીમાં અદ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની છેલ્લા ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી છે અને સામાકાંઠા વિસ્તારમાં અધ્યતન ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહીના ભાગરૂપે થોડા સમય પહેલા સર્કિટ હાઉસની સામેના ભાગમાં એક વખત ડીમલેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબીના સામાકાંઠામાં આવેલ ભારતનગર વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન મંજુર કરવામાં આવ્યું છે અને ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણ કરવામાં આવેલ છે જેથી ભારતનગર વિસ્તારમાં દબાણ કરનારા આસામીઓને મહાપાલિકાની ટીમ દ્વારા ત્રણ દિવસમાં તેઓના દબાણ દૂર કરવા માટે થઈને નોટીસ આપવામાં આવી હતી જેથી સ્થાનિક લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા.
આ વિસ્તારના લોકોએ મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરી હતી કે, તેઓ છેલ્લા 40થી 50 વર્ષથી તે વિસ્તારમાં રહે છે અને 200થી 250 જેટલા ઘર ત્યાં આવેલા છે અને ત્યાં રહેતા લોકોને માત્ર ત્રણ દિવસમાં તેઓના ઘર ખાલી કરવા માટે થઈને મહાપાલિકાએ નોટિસ આપેલ છે આટલા દિવસમાં કયા જવું ? તેવી રજૂઆત કરી હતી જેથી કમિશનર દ્વારા તેઓને વધુ સાત દિવસનો સમય આપીને કુલ દસ દિવસની અંદર રજૂઆત કરવા માટે આવેલા લોકોને તેઓના દબાણ દૂર કરવા માટે થઈને મુદત આપી હતી. ત્યાર બાદ રજૂઆત કરવા માટે થઈને આવેલ લોકોએ જણાવ્યું હતું કે આટલા દિવસમાં અમારે કયા મકાન શોધવા જવું ? અને આ વિસ્તારમાં રહેતા લોકોને આવાસ યોજનામાં મકાન ફાળવવાના હતા જો કે, હજુ મકાન પાસ થયા નથી. ત્યારે અહીં રહેતા મધ્યમ વર્ગના પરિવારોને ક્યાં જવું તે સવાલ હવે ઉભો થયો છે.