મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ
દ્વારકાથી પરત આવતા સમયે મોરબી નજીક બાઇક સ્લીપ થઈ જતા ઈજા પામેલ બે યુવાન સારવારમાં
SHARE
દ્વારકાથી પરત આવતા સમયે મોરબી નજીક બાઇક સ્લીપ થઈ જતા ઈજા પામેલ બે યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે સોઓરડીમાં રહેતા બે યુવાનો બાઈકમાં બેસીને દ્વારકાથી મોરબી આવી રહ્યા હતા.ત્યારે મોરબી નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં બંને યુવાનોને ઈજા થતા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દ્વારકાથી મોરબી બાજુ આવતા સમયે જામનગર નજીક દશેક કિલોમીટરના અંતરે બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં મુસ્તાક સલીમભાઈ ખોખર (૨૩) રહે.સોઓરડી સામાકાંઠે મોરબી-૨ તેમજ દિવ્યેશ સોમાભાઈ પાટડીયા (૨૧ રહે.સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થઈ હોય જામનગર સિવિલ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી.બાદમાં તેઓને વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
માળિયા મીંયાણાના અંજીયાસર ગામે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતોયજેમાં એલિસ અબ્દુલભાઈ મોવર (૨૫) તથા હારૂન અબ્દુલભાઈ મોવર (૨૪) રહે.બંને અંજીસરને ઇજાઓ થયેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ગામમાં આવેલ રામદેવપીર મંદિર પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં હિરલબા અશ્વિનસિંહ ઝાલા નામની નવ વર્ષની બાળકી ઈજા પામેલ હોય તેને પણ સારવાર માટે મોરબી ખસેડાઈ હતી.જ્યારે હળવદના રણછોડગઢ ગામે રહેતા વિલાસબેન ચંદુભાઈ ડઢૈયા નામના ૨૯ વર્ષના મહિલા કોઈ કારણોસર તેઓના ઘરે ફીનાઇલ પી ગયા હોય અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમ મોરબી એ ડીવીઝન પોલીસ સૂત્રએ જણાવેલ છે અને સ્ટાફના ડી.એ.જાડેજા દ્વારા કારણ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી હતી.
વૃદ્ધ સારવારમાં
હળવદ તાલુકાના માથક ગામે રહેતા ખોડાભાઈ વીરાભાઇ ભરવાડ નામના ૭૭ વર્ષના વૃદ્ધને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા ગઈકાલે સાંજે પાંચેક વાગે તેઓ વાડી બાજુ હતા ત્યાં અકળ કારણોસર મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલા દ્વારા ખોડાભાઈની ઉપર ગાડી ચલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા ઈજાઓ પહોંચી હોય ખોડાભાઈને સારવાર માટે ખસેડાયા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ પ્રાથમિક નોંધ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જોગારીબેન ગોડસિંગ ભુરીયા નામના ૪૩ વર્ષીય મહિલાને તેઓના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
કચ્છના રાપર તાલુકાના ભીમદેવકા ગામે રહેતા અસ્મિતાબેન મહેશભાઈ કોળી નામના મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા અને પડી ગયા હોય તેઓને અત્રેની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાસે રહેતા સાકરબેન ચોંડાભાઈ મકવાણા નામના ૭૭ વર્ષના વૃદ્ધા માળીયાના વવાણીયા ગામે મહાકાળી મંદિર પાસે બાઈક પાછળથી પડી ગયા હોય તેમને પણ સારવાર માટે આયુષમાં લવાયા હતા.
છરી લાગતા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના માટેલ રોડ ઉપર આવેલ સિમાન્ટો સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા રામકિશન રાય (૩૫) અને બંટી રાય (૩૦) નામના બે યુવાનો ઉપર અજાણ્યા ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે જોડિયા તાલુકાના તારાણા ગામે રવેચી માતાના મંદિર પાસે બાઈક સાથે કૂતરૂ અથડાતા અકસ્માત બનાવમાં રૂપાબેન ભગવાનભાઈ ડાંગર નામના ૮૦ વર્ષના વૃદ્ધાને સારવાર માટે મોરબી ૐ ઓર્થોપેડિક હોસ્પિટલે લવાયા હતા.