ટંકારા તાલુકાનાં ખેડૂતોને વીજપોલ-કોરિડોર માટે કયારે અને કેટલું વળતર મળશે ને નક્કી નથી ત્યાં કામ ચાલુ થઈ ગયું !: કલેક્ટર કચેરી પણ અજાણ ?
SHARE
ટંકારા તાલુકાનાં ખેડૂતોને વીજપોલ-કોરિડોર માટે કયારે અને કેટલું વળતર મળશે ને નક્કી નથી ત્યાં કામ ચાલુ થઈ ગયું !: કલેક્ટર કચેરી પણ અજાણ ?
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારા તાલુકાના ખેડૂતોએ કરી કલેક્ટરને રજૂઆત: ઓછામાં ઓછો નુકસાન અને વધુમાં વધુ વળતર મળે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ: ખેડૂતોનું શોષણ કોઈ કાળે ચલાવી લેવાશે નહીં, જરૂર પડશે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે
કચ્છથી જામનગર બાજુ જતી ખાનગી કંપનીની વીજ લાઈન પાથરવા માટે કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જોકે હજુ સુધી ખેડૂતોને શું વળતર મળશે ?, કયારે અને કેટલું વળતર મળશે ? તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને વળતર માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓની સાથે માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતો અને આગેવાનો પણ જોડાયા હતા. અને તે ખેડૂતોને ઓછામાં ઓછો નુકસાન અને વધુમાં વધુ વળતર મળે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાંથી વિન્ડ ફાર્મ તથા સોલાર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થઈને ખાનગી કંપનીઓ દ્વારા હાલમાં વીજ પોલ અને વીજ લાઈન પાથરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અંદાજે 13 થી વધુ ગામના ખેડૂતોના ખેતરમાંથી કચ્છથી જામનગર બાજુ જતી ખાનગી કંપનીની વીજ લાઇનના પોલ ઉભા કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે જોકે ખરેખર ખેડૂતોને શું વળતર મળશે ?, કેવી રીતે વળતર મળશે ?, કેટલું મળશે? આ બાબતની હજુ સુધી કોઈ સ્પષ્ટતા થયેલ નથી ત્યાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી છે તેવું સવાડી ગામના અસરગ્રસ્ત ખેડૂત જીતુભાઈ પટેલે જણાવ્યુ છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશભાઇ પટેલ, લાલજીભાઇ દેસાઇ, પાલભાઈ આંબલીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, પુષ્પરાજસિંહ જાડેજા, સંદીપભાઈ કલારિયા, અમુભાઈ હુંબલ, મહેશભાઇ રાજકોટિયા, દમયંતિબેન નિરંજની સહિતના આગેવાનોની હાજરમાં મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ટંકારા અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તેમજ માળિયા અને હળવદ તાલુકામાંથી જે ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થાય છે ત્યાંના અસરગ્રસ્ત ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેઓના ખેતરની અંદર ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર મળે તે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને ખાસ કરીને ગુજરાતની અંદર નવસારી જિલ્લામાં જો ખેડૂતોને વધુમાં વધુ વળતર ત્યાંના કલેક્ટર અપાવી શકતા હોય તો મોરબી જિલ્લામાં કલેકટર શા માટે મોરબી જિલ્લાના ખેડૂતોને નુકસાન થાય તેવા હુકમો કરે છે આવો સવાલ કરવામાં આવ્યો હતો. અને જો કંપની કમાણી કરવા માટે વીજ પુરવઠાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહી હોય તો પછી ખેડૂતોનું શોષણ કોઈ કાળે ચલાવી લેવામાં આવશે નહીં અને જરૂર પડશે તો હાઇકોર્ટ ને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે.
મોરબી જિલ્લામાંથી કઈ કઈ કંપનીઓની વીજ લાઈન પસાર થવાની છે તેવો સવાલ લાલજીભાઇ દેસાઇ દ્વારા મોરબીના કલેકટરને પૂછવામાં આવ્યો હતો ત્યારે કલેકટર જણાવ્યું હતું કે માત્ર બે કંપની મોરબી જિલ્લામાંથી વીજ લાઇન પસાર થવાની છે જેની તેઓને જાણ કરવામાં આવેલ છે જોકે ત્યારે લાલજીભાઈ દેસાઇએ કલેક્ટરને કહ્યું હતું કે, સરકારની વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના કચ્છ જિલ્લામાંથી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં થઈને લગભગ એક બે નહીં પરંતુ 18 જેટલી ખાનગી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થવાની છે ત્યારે આવા લોલમ લોલ તંત્ર પાસે ખેડૂતોએ શું અપેક્ષા રાખવી તે પણ સવાલ ઉઠી રહી છે જો કે, આજે ટંકારા તાલુકાનાં જે ખેડૂતોને નોટિસ આપીને બોલાવવામાં આવ્યા હતા તેઓને આગામી 2 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવેલ છે.
જો ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પુરવઠો ગુજરાતના લોકોને ફ્રી માં આપવાનો હોય તો ખેડૂતોને તેના ખેતરમાં ઊભા થતાં વીજ પોલ કે કોરિડોર માટે એક રૂપિયો પણ જોતો નથી પરંતુ ખાનગી કંપનીઓને પણ ગુજરાતમાંથી વીજળીનું ઉત્પાદન કરીને તે બીજા રાજ્યમાં વેચાણ કરીને તેમાંથી નફો મેળવવો છે એટલે કે તેનું વ્યાપારિકરણ કરવાનું છે તો જો કંપનીઓ કમાવાની હોય તો ખેડૂતોને પૂરું વળતર આપવામાં શું વાંધો છે તે સમજાતું નથી. હાલમાં શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપવામાં આવેલ છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો તેના પરિવારજનો સાથે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધામા નાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.