સિરામિક પ્રોડક્ટ ઉપર GST ઘટાડો, નેચરલ ગેસને GST ના દાયરામાં લાવો: મોરબી સિરામિક એસો.ની મુખ્ય બે માંગણી
SHARE
સિરામિક પ્રોડક્ટ ઉપર GST ઘટાડો, નેચરલ ગેસને GST ના દાયરામાં લાવો: મોરબી સિરામિક એસો.ની મુખ્ય બે માંગણી
કેન્દ્ર સરકારના આગામી બજેટ ઉપર ઉદ્યોગકારોથી લઈને આમ નાગરિક સુધી સહુ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે જો મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો મોરબી સીરામીક એસો. દ્વારા કેન્દ્ર સરકાર પાસે મહત્વની બે માંગણીઓ મૂકવામાં આવી રહી છે જેમાં સીરામીક પ્રોડક્ટ ઉપર લાગતો જીએસટી ઘટાડવામાં આવે અને નેચરલ ગેસનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તો સીરામીક પ્રોડક્ટના વપરાશકારોથી લઈને ઉત્પાદકો સુધીના લોકોને વર્ષે કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે
મોરબીની આસપાસના વિસ્તારમાં સિરામિકના નાના મોટા 800થી વધુ કારખાના આવેલા છે જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકોને રોજગારી મળી રહી છે જોકે સરકાર આમ નાગરિકથી લઈને ઉદ્યોગપતિ સુધી તમામ માટે માય બાપ ગણવામાં આવે છે. જેથી કેન્દ્ર સરકારના બજેટ ઉપર સહુકોઈની નજર રહેતી હોય છે. મોરબી સિરામિક એસો.ના પ્રમુખો દ્વારા હાલમાં સાંસદો અને કેન્દ્રીય નાણામંત્રીને વિવિધ માંગણીઓ સાથે રજૂઆતો કરવામાં આવી છે જેમા ખાસ કરીને જીએસટીને લગતી માત્ર બે માંગણીને સરકાર સ્વીકારી લેશે તો મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મોટી રાહત મળી શકે તેમ છે.
મોરબી સિરામિક એસો.ના વિટ્રીફાઈડ ડિવિઝનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક ફલક ઉપર પથરાયેલો છે અને વર્ષે 60 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. હાલમાં સીરામીક પ્રોડક્ટ ઉપર 18 ટકા જીએસટી છે તેને ઘટાડીને જો 5 ટકા કરવામાં આવે તો સિરામિક પ્રોડક્ટનો ઉપયોગ કરનારા તમામ એન્ડ યુઝરોને કરોડો રૂપિયાનો ફાયદો થશે સાથોસાથ સિરામિક પ્રોડક્ટની માંગમાં વધારો થશે જેથી કરીને કારખાનેદારોને પણ હૂંફ મળશે. જેથી કેન્દ્ર સરકારના બજેટમાં સીરામીક પ્રોડક્ટ ઉપર લાગતા જીએસટીમાં ઘટાડો કરવામાં આવેએ મોરબીના ઉદ્યોગકારોની પ્રથમ માંગ છે
વધુમાં માહિતી આપતા મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સીરામીક પ્રોડકોટના ઉત્પાદન નેચરલ ગેસથી કરવામાં આવે છે અને નેચરલ ગેસ ઉપર 6 ટકા વેટ લાગે છે. જો કે, નેચરલ ગેસને જીએસટીમાં સમાવવામાં આવેલ નથી જેથી ઉદ્યોગકારોને તે રૂપિયા પાછા મળી રહ્યા નથી. જો નેચરલ ગેસને જીએસટીમાં સમાવી લેવામાં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને તેનું રિબેટ મળી શકે તેમ છે. આજની તારીખે મોરબીની આસપાસના અંદાજે 100 થી વધુ કારખાનામાં નેચરલ ગેસનો ઉપયોગ થાય છે અને 16 લાખ ક્યુબીક મીટર જેટલો પ્રતિ દિવસ નેચરલ ગેસ વપરાય છે જો કે, બે વર્ષ પહેલા દૈનિક 70 લાખ ક્યુબિક મીટર જેટલો નેચરલ ગેસ વપરાતો હતો. તે જોતાં મોરબીના સિરામિક કારખાનેદારો કરોડો રૂપિયા છેલ્લા વર્ષોમાં ગુમાવ્યા છે જો કે, હવે આગામી બજેટમાં નેચરલ ગેસનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવે તો મોરબીના સીરામીક ઉદ્યોગકારોને વર્ષે કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. આટલું જ નહીં હાલમાં નેચરલ ગેસથી વિમુક્ત થઈને જે ગ્રાહકો પ્રોપેન ગેસ તરફ વળી ગયા છે તે પણ ફરી પાછા નેચરલ ગેસનો ઉપયોગ કરતા થાય તો નવાઈ નથી જોકે, આ બે મહત્વના નિર્ણયો આગામી બજેટમાં કેન્દ્ર સરકાર કરશે કે નહીં તે તો આગામી સમય બતાવશે.